- મંકીપોક્સને લઈ WHOએ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી
- મંકીપોક્સનો પહેલો કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો
- મંકીપોક્સ કેવી રીતે ફેલાઈ છે અને તેનાથી બચવા શું કરવું?
કોવિડ 19ને લોકો હજુ સુધી ભૂલી શક્યા નથી ત્યાં તો હવે બીજી બીમારીએ માંથું ઉચક્યું છે. મંકીપોક્સ વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાવાનું શરૂ થયું છે, જેના કારણે હજારો લોકો મૃત્યુ પામ્યા છે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ વૈશ્વિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. WHOએ આ જાહેરાત ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં વાયરલ ઇન્ફેક્શન ફાટી નીકળ્યા બાદ કરી છે. જે પડોશી દેશોમાં પણ ફેલાઈ છે. 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે મંકીપોક્સને વૈશ્વિક ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
આરોગ્ય ઈમરજન્સી ક્યારે જાહેર કરાઈ છે?
કોઈપણ રોગ માટે ઈમરજન્સી ત્યારે જ જાહેર કરવામાં આવે છે, જ્યારે તે અસામાન્ય રીતે ફેલાતો હોય છે. અગાઉ આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને એમપોક્સ ચેપને લઈને મહાખંડમાં આરોગ્ય ઈમરજન્સી જાહેર કરી હતી. તેમજ ચેતવણી પણ આપી હતી કે તે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરી શકે છે, જ્યારબાદ WHOએ બુધવારે બેઠક બાદ આની જાહેરાત કરી હતી.
27 હજાર કેસ નોંધાયા, 1100 લોકોએ જીવ ગુમાવ્યા
બે વર્ષ પહેલા પણ WHOએ મંકીપોક્સને ઈમરજન્સી જાહેર કરી હતી. જ્યારે આ રોગ વૈશ્વિક સ્તરે ફેલાવા લાગ્યો હતો, ત્યારે એવા પુરુષોમાં વધુ ફેલાઈ રહ્યો હતો, જે પુરુષોની સાથે સેક્સ સંબંધ રાખતા હતા. મંકીપોક્સ દાયકાઓથી આફ્રિકાના અમુક ભાગોમાં જોવા મળે છે. પ્રથમ કેસ 1970માં કોંગોમાં નોંધાયો હતો અને ત્યારથી તેનો પ્રકોપ છે. કોંગોમાં અત્યાર સુધીનો સૌથી ખરાબ પ્રકોપ જાન્યુઆરી 2023માં રહ્યો હતો. અત્યાર સુધીમાં 27,000 કેસ નોંધાયા છે અને 1,100 થી વધુ મૃત્યુ થયા છે. જેમાંથી મોટાભાગના બાળકો છે. આ રોગ ફલૂ જેવા લક્ષણો અને પરુ ભરેલા ચાંદાનું કારણ બને છે અને તે સામાન્ય રીતે હળવા હોય છે, પરંતુ જીવલેણ હોઈ શકે છે.
મંકીપોક્સના લક્ષણો શું છે?
આ વાયરસના સંક્રમણમાં આવ્યા બાદ પ્રારંભિક લક્ષણ તાવ છે. આ પછી માથાનો દુખાવો, સોજો, કમરનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. તાવ ઓછો થયા પછી શરીર પર ફોલ્લીઓ દેખાય છે, જે ઘણીવાર ચહેરાથી શરૂ થાય છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે. આ ફોલ્લીઓથી વધુ ખંજવાળ અથવા દુખાવો થઈ શકે છે. ચેપ સામાન્ય રીતે તેના પોતાના રીતે ઠીક થઈ જાય છે અને 14થી 21 દિવસની સુધી રહે છે. ગંભીર કિસ્સાઓમાં ઈજા આખા શરીરને આવરી લે છે, જે મોં, આંખો અને ગુપ્તાંગો પર દેખાય છે.
આ રોગ કેવી રીતે ફેલાય છે?
મંકીપોક્સ કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. આમાં જાતીય સંભોગ અને ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નજીકથી વાત કરવાનો સમાવેશ થાય છે. તે શરીરમાં આંખો, શ્વસો શ્વાસ, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે. જેમ કે પથારી, વાસણો વગેરેનો ઉપયોગ કરવાથી ફેલાય છે. મીડિયા અહેવાલો મુજબ આ વાયરસ સંક્રમિત પ્રાણીઓ જેવા કે વાંદરાઓ, ઉંદરો અને ખિસકોલીઓ દ્વારા પણ ફેલાઈ શકે છે. જો કે, વર્ષ 2022માં મંકી પોક્સ વાયરસ જાતીય સંપર્ક દ્વારા વધુ ફેલાયો હતો. આ વખતે પણ ડીઆર કોંગોમાં મંકીપોક્સ ફેલાવાનું કારણ જાતીય સંપર્ક છે.
કોના પર વાયરસની વધુ અસર થાય છે?
એવા લોકો પર વાયરસની સૌથી વધુ અસર થાય છે. જેમની પાસે એક કરતા વધુ પાર્ટનર હોય અથવા નવા-નવા પાર્ટનર રાખતા હોય. તેને પણ સંક્રમણ લાગી શકે છે, જે કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે છે.
મંકી પોક્સથી બચવા શું કરવું?
આ બીમારીથી બચવા માટે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, મંકીપોક્સથી સંક્રમિત કોઈપણ વ્યક્તિની નજીક ન જવું અને જો પડોસમાં વાયરસ ફેલાતો હોય તો સાબુથી હાથ ધોવાનું રાખો. જ્યાં સુધી ગઠ્ઠો સાજો ન થાય ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિને ક્વોરન્ટાઈન કરી દેવા જોઈએ. WHOનું કહે છે કે, રિકવરી થાયાના 12 અઠવાડિયા સુધી સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ. સૌથી સારી બાબત એ છે કે રસીકરણ કરાવવું. આ રોગ માટે એક રસી છે.
બદલાતા વેરિએન્ટ્સ પણ ચિંતાજનક છે
આ વાયરસ તેના વેરિએન્ટ્સ પણ બદલી રહ્યો છે. કોંગોમાં તેની શરૂઆત ક્લેડ-1થી થઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, એક નવો વેરિઅન્ટ ક્લેડ Ib સરળતાથી ફેલાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા WHOના વડાએ કહ્યું છે કે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના પૂર્વીય ભાગોમાં મંકીપોક્સના નવા વેરિએન્ટનો ઉદભવ અને ફેલાવો ચિંતાજનક છે. પડોશી દેશોમાં પણ તેના કેસ નોંધાયા છે, જેના કારણે ચિંતા વધી છે. તેમણે એમ પણ કહ્યું કે, તે કોવિડ જેવું છે, પરંતુ કોરોના નથી.


