ગત બુધવારે રાત્રે ઝારખંડના જામતાડામાં એક ગમખ્વાર ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જામતાડાના કાલઝારિયા પાસે ટ્રેનની અડફેટે 12 લોકોના મોત થયા હતા. કેટલાક લોકો ઘાયલ પણ થયાં છે. આ તમામ પ્રવાસઓ ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યાં હતા પરંતુ આગ લાગવાની અફવા ફેલાતાં ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા અને આ દરમિયાન સામેથી આવતી ટ્રેનની અડફેટે આવતાં કચડાઈ ગયાં હતા તથા ઘણા ઘાયલ પણ થયાં હતા.
અયોધ્યામાં રામકથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુને સમાચાર પ્રાપ્ત થતા તેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા અર્પણ કરી હતી. અયોધ્યા રામકથાના મનોરથી પરિવાર દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે અને તેમાં બનારસ સ્થિત રામકથાના શ્રોતાઓ મદદરૂપ થશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


