મોરબી સ્પે. પોક્સો કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવેલ હતો. હળવદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષ ૨૦૨૨માં બનેલ બનાવમાં વાડીમાં રહી ખેત મજૂરી કરતા ખેત-શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને વાડીની ઓરડીમાં લઇ જઈ બળજબરીપૂર્વક સગીરાના કુટુંબિક ફુવાએ દુષ્કર્મ આચર્યું હતું. જે કેસ મોરબી સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા તથા રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકારતો આદેશ કરાયો હતો.
સમગ્ર કેસની ટૂંક વિગત મુજબ વર્ષ ૨૦૨૨માં હળવદ તાલુકાના શિરોઈ ગામની સીમમાં ખેતમજૂરી કરવા આવેલા મધ્યપ્રદેશના ખેતશ્રમિક પરિવારની ૧૧ વર્ષની સગીરા દીકરીને કુટુંબિક ફુવાએ તેણીનો એકલતાનો લાભ લઇ દુષ્કર્મ ગુજારી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ અંગે સગીરાએ બુમાબુમ કરતા બાજુની વાડીમાં કામ કરતા લોકો આવી જતા નરાધમ શખ્સ સ્થળ ઉપરથી નાસી ગયો હતો. ત્યારે બનાવ અંગે ભોગ બનનારના માતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોર રહે.બકચીયા મધ્યપ્રદેશ વાળા વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લઈ માત્ર ૬ દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી દીધું હતું.
ઉપરોક્ત દુષ્કર્મનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં એડિશનલ સેસન્સ જજ દિલીપભાઈ પી.મહીડા સાહેબની કોર્ટમાં ચાલી જતા ૧૦ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારિયાની કાયદાકીય દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતેન ખીમલાભાઇ ભાભોરને ૨૦ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડ ફટકારતો આદેશ કર્યો છે, સાથે જ ભોગ બનનારને રૂપિયા ૪ લાખનું સરકાર તરફથી મળવા પાત્ર વળતર ચૂકવવા આદેશ જારી કર્યો હતો.


