મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે
વર્તમાન સમયને ધ્યાનમાં રાખી કુરીવાજોને તિલાંજલી આપવા ૨૨ નિયમોનું ઘડાયું બંધારણ : નિયમ તોડનારને થશે પાંચ લાખનો દંડ
અગ્ર ગુજરાત, મોરબી
મોરબી માળીયા સમસ્ત મચ્છુ કાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજની બેઠક મળી હતી જેમાં સમાજનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે અને તેમાં ખાસ કરીને સમાજમાં વધી રહેલા કુરિવાજો અને દૂષણોને ડામવા માટે બંધારણને તોડનારને 5 લાખનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો બંધારણ તોડનાર વ્યક્તિ દ્વારા દંડ ભરવામાં ન આવે તો તેને નાત બહાર મૂકવામાં આવશે અને તેની સાથે વ્યવહાર બંધ કરવામાં આવશે. એટલું જ નહીં બંધારણના નિયમને તોડનારની માહિતી આપનારા સમાજના વ્યક્તિનું સન્માન કરીને તેને રોકડા 21 હજારનું ઈનામ આપવાનું સર્વાનુમતે નક્કી કરાયું છે.
વર્તમાન સમયમાં સારા કે માઠા પ્રસંગમાં દેખા દેખીના લીધે લખલુંટ ખર્ચાઓ કરવામાં આવે છે તે વાસ્તવિકતા છે ત્યારે મોરબી માળીયા ભરવાડ સમાજની તાજેતરમાં મહેન્દ્ર્પરામાં આવેલ મચ્છુ માતાજીના મંદિરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરવાડ સમાજમાં ચાલી રહેલા કુરિવાજોને દૂર કરવા માટે અને સમાજમાં સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા માટે જુદાજુદા કુલ મળીને 22 જેટલા નિયમો બનાવીને બંધારણ સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું છે.
આંદરણા સમાજના આગેવાન દનભાઈ ભરવાડે જણાવ્યું કે, આ બંધારણને તોડનાર સમાજના વ્યક્તિ પાસેથી 5 લાખનો દંડ લેવાનું નક્કી કરાયું છે અને જો બંધારણ તોડનાર વ્યક્તિ દંડ ન ભારે તો તેને નાત બહાર મૂકીને તેની સાથેના વ્યવહાર સમાજ બંધ કરી દેશે અને કોઈ પણ વ્યક્તિ બંધારણના નિયમ તોડનારની માહિતી આપશે તો તેને 21 હજારનું ઈનામ આપીને સન્માનિત કરવાનું સર્વાનુમતે નક્કી થયું છે. અને આ બેઠકમાં દ્વારકાધીશ તથા મચ્છુ માતાજીની સાક્ષીએ સમાજ દ્વારા સર્વાનુમતે બંધારણનો સ્વીકારવામાં આવ્યું છે. અને તેની અમલવારી તા 20/1/26 થી શરૂ કરવામાં આવી છે.
દીકરા-દીકરીનો કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ સગપણ કરવાનો આગ્રહ રાખવો, લગ્ન ફરજીયાત સમૂહલગ્ન કે નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં વર્ષમાં એક દિવસે કરવા, દીકરીના પક્ષ દ્વારા વધુમાં વધુ ૬ તોલા સોનું જ લઇ શકાશે, સામ સામે સગપણ હોય તો બંને પક્ષે નક્કી કરીને વ્યવહાર કરવો, દિકરી કે વહુનું આણું પાથરવાની પ્રથા બંધ, શ્રીમંતમાં વધુમાં વધુ ૧ તોલા સોનું જ આપી શકશે અને વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓને જ લઈ જવાના રહેશે., લાડવા લઇ જવામાં ભાણેજ તથા ભાણીના 5 જોડી કપડા લઇ જવા, મામેરા પ્રસંગે ૧ થી ૩ તોલા સોનું જ આપી શકાશે, મામેરામાં વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ જ જઈ શકશે., પ્રિ વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, રીસેપ્સન, પગલા પાડવા જેવા સોશિયલ મીડિયા આકર્ષિત પ્રસંગોથી દુર રહેવું, લગ્ન પ્રસંગે કલાકાર પાર્ટી, દાંડિયા-રાસ તથા અન્ય ખર્ચાળ મનોરંજન કાર્યક્રમો સંપૂર્ણપણે બંધ, બેન્ડ બાજા, સાદુ ડી.જે. તથા ઢોલ શરણાઈ રાખી શકાશે., લગ્ન પ્રસંગે ફટાકડા, વરરાજાની એન્ટ્રી, રૂપિયાની ધોર કરવી જેવા કાર્યક્રમ સદંતર બંધ કરવા, મરણ સમયે માત્ર બે જ વખત જવાનું અને વાસણ પ્રથા સંપૂર્ણ બંધ, જમાઈના મૃત્યુ બાદ ઈચ્છા સિવાય દેરવટુ કરવું નહિ, અફીણ, ઠાલીયા, દારૂ, ડ્રગ્સ, સિગારેટ, બીડી, માવા તથા તમામ પ્રકારના વ્યસનો સંપૂર્ણ રીતે બંધ રાખવા, લગ્ન માત્ર મુખવાસ સિવાય અન્ય કોઈ વસ્તુ મુકવી નહિ તેવા નિયમો બનાવાયા છે.
દંડની રકમ શૈક્ષણિક સમિતિમાં જમા કરાવાશે
ભરવાડ સમાજના આગેવાન ગોકલભાઈ બાંભવાએ વધુમાં કહ્યું કે, છેલ્લા વર્ષોમાં ભરવાડ સમાજમાં દેખાદેખી સહિતના કારણોસર ઘણા બધા દૂષણો ઘર કરી ગયા હતા. જેથી કરીને ભરવાડ સમાજના આગેવાનોએ બેઠક બોલાવી હતી. જેમાં ભરવાડ સમાજનું બંધારણમાં નક્કી કરીને 22 નિયમો બનાવ્યા છે અને બંધારણનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તેના માટે લાકડા જેવો દંડ પણ રાખવામા આવેલ છે અને દંડની જે પણ રકમ સમાજમાંથી આવશે તે મોરબી જીલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિમાં જમા કરવાની રહેશે. અને તેનો ઉપયોગ શિક્ષણ કાર્ય માટે જ કરવામાં આવશે.


