મોરબી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા માટે નીકળેલી મોરબી મહાનગરપાલિકાની ટીમ પર હુમલો અને સરકારી કામગીરીમાં રુકાવટની ઘટના સામે આવી છે. વાવડી રોડ પર પશુઓ પકડવાની કામગીરી દરમિયાન બે મહિલાઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી કર્મચારીઓને ધમકી આપી બળજબરીથી પશુઓ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે હવે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર ઘટના?
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પર અડિંગો જમાવીને બેસતા પશુઓને ડબ્બે પૂરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત પાલિકાની ‘ઢોર પકડ પાર્ટી’ વાવડી રોડ વિસ્તારમાં કામગીરી કરી રહી હતી. ટીમે જ્યારે રખડતા પશુઓને પકડીને વાહનમાં ભર્યા, ત્યારે બે સ્થાનિક મહિલાઓએ ત્યાં આવી હોબાળો મચાવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ મહિલાઓ ઢોર પકડવા માટેના સરકારી વાહન પર ચડી ગઈ હતી અને પકડાયેલા પશુઓને બળજબરીથી મુક્ત કરાવવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, મહિલાઓએ પાલિકાના કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી તેમને બિભત્સ ગાળો આપી હતી અને ભવિષ્યમાં આ વિસ્તારમાં કામગીરી ન કરવા માટે જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી.
પોલીસ ફરિયાદ અને તપાસ
સરકારી ફરજમાં રૂકાવટ અને કર્મચારીઓ પર હુમલાની કોશિશના ગંભીર મામલાને પગલે મનપાના જવાબદાર કર્મચારીએ તુરંત મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મોરબી પોલીસે આ મામલે દેવુબેન ભરવાડ અને ભાનુબેન ભરવાડ નામની બે મહિલાઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કાયદાકીય તપાસ શરૂ કરી છે, અને સરકારી કામમાં દખલગીરી કરનારા તત્વો સામે કડક વલણ અપનાવવાની ખાતરી આપી છે.
તંત્રનો કડક સંદેશ
મોરબી મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે, મોરબી શહેરના જાહેર માર્ગોને સુરક્ષિત રાખવા માટે ઢોર પકડવાની ઝુંબેશ ચાલુ રહેશે. પશુ માલિકો દ્વારા જો કોઈપણ પ્રકારની અડચણ ઊભી કરવામાં આવશે અથવા કર્મચારીઓ સાથે ગેરવર્તન કરવામાં આવશે, તો તેમની સામે પોલીસ ફરિયાદ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.


