મોરબીમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને અને જાહેર માર્ગો પર સ્ટંટ કરીને જોખમી ડ્રાઇવિંગ કરનારા તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં મોરબીના પ્રખ્યાત મયુર પુલ પર એક રિક્ષાચાલક દ્વારા તેની રિક્ષા સાથે જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વાયરલ વીડિયો આધારે પોલીસની કાર્યવાહી
રાત્રીના સમયે મયુર પુલ પર સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકતા આ રિક્ષાચાલકનો વીડિયો વાયરલ થતાં જ મોરબી ટ્રાફિક પોલીસ તુરંત જ સક્રિય બની હતી. પોલીસે વીડિયોના આધારે રિક્ષાચાલકની ઓળખ કરી તેને ઝડપી પાડ્યો હતો અને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.પોલીસની આ કડક કાર્યવાહી બાદ રિક્ષાચાલકની ‘શાન’ ઠેકાણે આવી ગઈ હતી. પોલીસે માત્ર દંડ કરીને જ નહીં, પરંતુ તેનું જાહેરમાં કાઉન્સેલિંગ પણ કર્યું હતું.
રિક્ષાચાલકે લોકોને કરી અપીલ
પોલીસના સકંજામાં આવ્યા બાદ, આ રિક્ષાચાલકે પોતે કરેલી ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો અને અન્ય લોકોને પણ જાહેર માર્ગો પર અથવા પુલ પર જોખમી સ્ટંટ ન કરવા માટે અપીલ કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે આવા કૃત્યો માત્ર પોતાના માટે જ નહીં, પરંતુ અન્ય લોકો માટે પણ જોખમી સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, મોરબીમાં નેશનલ હાઇવે પર બાઇક સ્ટંટ કરતાં યુવકોના વીડિયો પણ વાયરલ થયા છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પોલીસ હવે આવા તમામ સ્ટંટબાજો સામે આક્રમક વલણ અપનાવશે અને કાયદાનું કડક અમલ કરાવશે.


