યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી જેલ તંત્રનું પ્રેરણાદાયી કાર્ય
અગ્ર ગુજરાત, મોરબી
પોલીસ મહાનિદેશક ડૉ. કે.એલ.એન.રાવ તથા પોલીસ મહાનિરિક્ષક (જેલ) અશ્વિન ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ સામાજિક અને સેવાકીય તેમજ પ્રેરણાદાયી કાર્યથી સમાજમાં વૈચારિક ક્રાંતિ કરવામાં હર હમેશ સક્રિય રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી સબજેલના બંદીવાનોંને “લાલો- કૃષ્ણ સદા સહાયતે ” ફિલ્મ બતાવવામાં આવી હતી. યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી આ હકારાત્મક જીવનશૈલીનો મેસેજ આપતી ખુબ જ સુંદર ફિલ્મ બતાવી જેલમાં બંદીવાનોને માનસિક તણાવ દૂર થાય તેવો જેલ તંત્ર દ્વારા સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબી જેલના ૩૧૯ બંદીવાનો માટે આજે સોમવારે સાંજે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંદીવાનોમાં હકારાત્મક દ્રષ્ટિકોણ અને માનસિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી, જેલના મુખ્ય ટાવર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં ગુજરાતી સુપરહિટ ફિલ્મ ‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’નું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ પહેલ જેલ સુધારાગૃહ તરફના સતત પ્રયાસોનો એક ભાગ છે, જે અંતર્ગત કેદીઓને સર્જનાત્મક, પ્રેરણાદાયી અને તણાવમુક્ત પ્રવૃત્તિઓ સાથે જોડવાનો પ્રયાસ થકી બંદીવાનોએ આ ફિલ્મનો શો આનંદ માણ્યો હતો.
આ સમગ્ર આયોજન મોરબી યંગ ઇન્ડિયા ગૃપના ડો દેવેન ભાઈ રબારીના સહયોગથી શક્ય બન્યું હતું. મોરબી સબજેલ ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ એચ એ બાબરીયાએ આ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેલના તમામ સ્ટાફ કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ફિલ્મ થકી ઘરના મુખિયા વગર ઘરના પરિવાના સભ્યોની વેદનાને વાચા આપી બંદીવાનોના હૃદય પરિવર્તન કરવાના પ્રયાસ કરેલ છે આજના અવિસ્મરણીય યોજાયેલા આ કાર્યક્રમની બંદીવાનોએ ખૂબ જ પ્રશંસા કરી હતી, કારણ કે આવી હૃદય સ્પર્શી ફિલ્મ જોવાનો એક મોકો મળ્યો હતો અને ભક્તિ સાથે આત્મવિશ્વાસ કેળવવાં જેલમાં પણ તક મળી હતી.


