- USના ઉત્પાદકોએ ભારતથી આયાત થતી ટાઈલ્સ પર 800% એન્ટિ ડમ્પિંગ ડયૂટીની માગ કરી
- દર વર્ષે મોરબીથી 1,600 કરોડથી વધારેની સિરામિક ટાઇલ્સની અમેરિકામાં નિકાસ થાય છે
- ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે
એક તરફ્ ડોમેસ્ટિક માર્કેટમાં માગ ઓછી થઇ રહી છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે વધુ એક ખરાબ પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. સિરામિક ટાઈલ્સ નિકાસના મુખ્ય બજારમાંના એક અમેરિકામાં ભારતીય ટાઈલ્સ ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવાની રજૂઆત થઇ છે. અમેરિકાના સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોએ સ્થાનિક બજાર કરતા નીચા ભાવે આયાત થતી હોવાની ફરિયાદ કરીને ભારતીય સિરામિક ટાઈલ્સ ઉપર 800% સુધીની એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવા માટે રજૂઆત કરી છે. US ઇન્ટરનેશનલ ટ્રેડ કમીશન અને US ડીપાર્ટમેન્ટ ઓફ્ કોમર્સ આ મુદ્દાને ચકાસી રહ્યું છે. જો અમેરિકાની સરકાર ભારતથી આયાત થતી ટાઈલ્સ પર ઉંચી ડયૂટી નાખશે તો તેની સૌથી વધુ અસર ગુજરાતના મોરબી સિરામિક ક્લસ્ટરને થશે.
સિરામિક ટાઈલ્સ ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે 10% આસપાસ એન્ટિ ડમ્પિંગ ડયૂટી નાખવામાં આવે તો વાંધો નહિ આવે પણ જો વધારે હશે તો અમેરિકામાં થતી આયાતમાં ઘટાડો થઇ શકે છે. ડયૂટી કેટલી લાગશે તેનો નિર્ણય આગામી 2 મહિનામાં આવશે. આ રજૂઆત બાદ નવા ઓર્ડરની પૂછપરછ થોડી ધીમી પડી છે. જુના ઓર્ડર હાલ નિકાસ થઇ રહ્યા છે. બંને દેશના આયાત અને નિકાસકારો શું નિર્ણય આવે છે તેની રાહ જોઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન અંદાજે રૂ. 1,600 કરોડની ટાઈલ્સ અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી. કુલ નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી આશરે 10% જેવી છે.
મોરબી સિરામિક મેન્યુફેકચરર્સ એસોસિએશનમાં વિટ્રિફઇડ ટાઈલ્સના પ્રમુખ મુકેશ કુંડારિયાએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારતીય ટાઈલ્સની સારી માગના કારણે આ વર્ષે નિકાસ ઘણી વધી છે. કોઈપણ દેશમાં સ્થાનિક બજાર કરતા નીચા ભાવે આયાત થાય ત્યારે એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવામાં આવે છે. અમેરિકાના ઉત્પાદકોએ આપણી ટાઈલ્સ પર ડયૂટી લગાવવાની રજૂઆત કરી છે અને હવે તેના ઉપર તપાસ ચાલી રહી છે. ભારતીય ઉત્પાદકો ક્યાં ભાવે નિકાસ કરે છે અને ભારતમાં શું ભાવે વેચાણ થાય છે તેની તુલના કરીને પછી એન્ટિ ડમ્પિંગ ડયૂટી લગાવવામાં આવશે. રજૂઆત 800% માટે થઇ છે પણ હવે જોવાનું રહે છે કે કેટલી ડયૂટી લાગશે. અમને આશા છે કે ઓછી ડયૂટી લાગશે.
ચૂંટણી બાદ કોમર્સ મંત્રાલયને રજૂઆત કરશે
મોરબી સિરામિક એસોશિએશનના વોલ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ હરેશ બોપલિયાએ જણાવ્યું કે, આ વર્ષે ભારતથી સિરામિક ટાઈલ્સની નિકાસ ગત વર્ષના રૂ. 15,000 કરોડ સામે વધીને રૂ. 18,000 કરોડ થઇ છે. અમેરિકામાં પણ સારી નિકાસ હતી જેના કારણે સ્થાનિક ઉત્પાદકોએ ત્યાની સરકારને ભારતીય ટાઈલ્સ પર ડયૂટી નાખવા રજૂઆત કરી છે. અમે પણ ચૂંટણી પૂરી થયા બાદ કોમર્સ મંત્રાલયને આ મામલે મધ્યસ્થી કરવા માટે કહીશું. હાલની સ્થિતિએ ડયૂટી લાગશે તે નક્કી છે પણ અમારા પ્રયાસો રહેશે કે બને એટલી ઓછી ડયૂટી લાગે.


