- 2 ફૂટબોલ લેવા માટે 32 શાળાના શિક્ષકને 2 વિદ્યાર્થીઓને સાથે લઈ ધ્રાંગધ્રા બોલાવાયા
- ચોટીલા, ચૂડામાંથી ધ્રાંગધ્રા ફૂટબોલ લેવા જવો મોંઘો પડે તેવો ગણગણાટ
- ન્યુ દિલ્હી દ્વારા ફીફાના સહયોગથી ફૂટબોલ ફોર સ્કુલ યોજના અમલમાં છે
કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકો રમતગમત ક્ષેત્રે આગળ આવે તે માટે ફિફાના સહયોગથી ફૂટબોલ ફોર સ્કુલ યોજના અમલમાં મુકી છે. પરંતુ આ યોજનામાં શાળાઓને ફૂટબોલ વસાવવો સોના કરતા ઘડામણ વધી જાય તેવી સ્થિતિમાં પડે તેમ છે. જિલ્લાની 32 શાળાઓને પરીપત્ર દ્વારા ફૂટબોલ લેવા 1 શિક્ષક અને 2 વિદ્યાર્થીઓને ભાડુ ખર્ચીને ધ્રાંગધ્રા બોલાવાયાનો પરીપત્ર જાહેર થતા શિક્ષણ જગતમાં ગણગણાટ શરૂ થયો છે. સમગ્ર રાજયમાં હાલ ખેલ મહાકુંભ અંતર્ગત રમતો ચાલી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર પણ બાલ્યવસ્થામાં જ બાળકો ફૂટબોલ જેવી ઈન્ટરનેશનલ રમતો પણ શીખે તે માટે યોજના અમલમાં મુકાઈ છે. મિનિસ્ટ્રી ઓફ એજયુકેશન ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા, ન્યુ દિલ્હી દ્વારા ફીફાના સહયોગથી ફૂટબોલ ફોર સ્કુલ યોજના અમલમાં છે. આ યોજના મુજબ કેન્દ્ર સરકારમાંથી જિલ્લાની 32 માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શાળાઓની યાદી મુજબ જિલ્લાની 32 શાળાઓને 2 ફૂટબોલ આપવામાં આવનાર છે. પરંતુ આ ફૂટબોલ લેવા માટે શાળાના 1 શિક્ષકે ફરજીયાત 2 વિદ્યાર્થીને સાથે લઈ ધ્રાંગધ્રાની કેન્દ્ર સરકાર સંચાલિત પીએમશ્રી સ્કુલ જવાહર નવોદય વિદ્યાલય પરીપત્ર કરીને બોલાવાયા છે. જિલ્લાની 32 શાળાઓમાં ચોટીલા, ચુડા, લીંબડી સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. ત્યારે શિક્ષક ર વિદ્યાર્થીઓને સાથે લઈ બાય કાર કે બાય બસ ધ્રાંગધ્રા જાય અને ર ફૂટબોલ મળે તેવી સ્થીતીમાં સોના કરતા ઘડામણ વધી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી કેન્દ્ર સરકારે આપેલા ફૂટબોલ લેવા જવુ કે નહી તે અંગે શાળાઓમાં ગણગણાટ શરૂ થયો છે.


