- મુખ્ય માર્ગના દશ મીટર હદમાં આવેલા દબાણો તોડાયા
- તંત્રની કામગીરી દરમિયાન ઉત્તેજના સભર માહોલ જોવા મળ્યો
- દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં મુખ્ય માર્ગના દશ મીટર હદમાં આવેલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વર્ષો બાદ બામરોલી રોડ ઉપર આવેલા દબાણ ખસેડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતાં ઉત્તેજના સભર માહોલ જોવા મળ્યો હતો .તંત્ર દ્વારા રેખા નિયંત્રણમાં આડે આવતાં નાના-મોટા મળી 150 થી વધુ દબાણો જેસીબી ની મદદ થી તોડવામાં આવ્યા હતા.
ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં તંત્ર દ્વારા પ્રથમવાર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા બામરોલી રોડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને માર્ગની સાઈડમાં આવેલા અડચણ રૂપ દબાણોની બાબત ધ્યાને આવતા જ તંત્ર દ્વારા દબાણકર્તાને સૂચના આપી જાતે જ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ પોતાના દબાણ દૂર કરી દીધા હતા. જેના બાદ મંગળવારે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ગોધરા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવતની અધ્યક્ષતામાં નગરપાલિકાના ચીફ્ ઓફ્સિર, માર્ગ મકાન વિભાગ તેમજ અન્ય વિભાગોને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન નાના-મોટા મળી અંદાજિત 150 જેટલા દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈપણની શેહશરમ રાખવામાં આવી નહોતી જેને લઈને એક તબક્કે શહેરના અન્ય વિસ્તારોમાં દબાણકર્તા ઓમાં પણ તંત્રની કામગીરીને નિહાળી ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે.


