નાઈજીરિયામાં ક્રિસમસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન ભારે નાસભાગ મચી હતી, નાતાલની ઉજવણીના બે કાર્યક્રમમાં દાન અને ખાદ્યપદાર્થોના વિતરણ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ હતી અને આ નાસભાગમાં 30થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
નાસભાગ મચતા ઘણા લોકો જમીન પર પડ્યા, એકબીજા પર દોડવા લાગ્યા
ત્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની જાણકારી પણ મળી રહી છે, હાલમાં ઘાયલ થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે 22 ડિસેમ્બરે રવિવારે આ માહિતી આપી છે. આ અકસ્માત શનિવારે 21મી ડિસેમ્બરે થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે અચાનક મોટી ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ઘણા લોકો જમીન પર પડ્યા, એકબીજા પર દોડવા લાગ્યા અને જમીન પર પડ્યા તે લોકોને કચડી નાખ્યા, જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા છે. આ અકસ્માતના પગલે સર્વત્ર હોબાળો મચી ગયો હતો અને ખુશીનું વાતાવરણ થોડી જ ક્ષણોમાં ઉદાસીમાં ફેરવાઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક ઘાયલોની સારવાર કરીને રજા પણ આપવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક લોકોની સારવાર ચાલી રહી છે.
ઓકિજા શહેરમાં 22 લોકોના મોત
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રથમ ઘટના દક્ષિણ-પૂર્વીય અનામ્બ્રા રાજ્યના ઓકિજા શહેરમાં બની હતી, જ્યાં નાસભાગ મચી જવાથી 22 લોકોના મોત થયા હતા. તેમણે જણાવ્યું કે ક્રિસમસના અવસર પર ઓકિજામાં એક વ્યક્તિએ ભોજન વિતરણનું આયોજન કર્યું હતું, જે દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભોજન લેવા આવ્યા હતા, આ દરમિયાન અચાનક ભીડમાં નાસભાગ મચી ગઈ હતી.
અબુજામાં 10 લોકોના મોત
ત્યારે બીજી તરફ રાજધાની અબુજાના એક ચર્ચે જમવાનું અને કપડાંનું વિતરણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અહીં પણ ઘણા લોકો એકઠા થયા હતા. આ દરમિયાન નાસભાગને કારણે 10 લોકોના મોત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના અબુજાના પોશ વિસ્તાર મૈતામાના હોલી ટ્રિનિટી કેથોલિક ચર્ચમાં બની હતી. આ સમયગાળા દરમિયાન, 1,000થી વધુ લોકોને ચર્ચમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.