- તબીબોની રજૂઆતો બાદ રકમ ચૂકતે કરવા સરકારની બાંયધરી
- કેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોવાનો દાવો
- પીએમજેએવાય- મા યોજનામાં ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે
સરકારની પીએમજેએવાય-મા યોજનામાં ગુજરાતની 200 જેટલી હોસ્પિટલોના 450 કરોડ સલવાયા છે, આ રકમ છૂટી કરવા માટે તાજેતરમાં જ રાજ્ય સરકાર સમક્ષ તબીબોના સંગઠને રજૂઆતો કરી છે, તબીબી સંગઠનની આ માગણી પર સરકારે ઘટતું કરવા અને જલદી રકમ ચૂકતે થાય તે સંદર્ભેની બાંયધરી આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે.
પીએમજેએવાય- મા યોજનામાં ગુજરાતની ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો સારવાર પૂરી પાડે છે, છેલ્લા એક બે વર્ષથી 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે, સરકાર અને વીમા કંપનીના અધિકારીઓના વલણને કારણે હોસ્પિટલોને વિલંબથી નાણાં મળી રહ્યા છે. અગાઉ 650 કરોડ જેટલી રકમ બાકી હતી, જોકે વારંવારની રજૂઆતો પછી 200 કરોડ જેટલી રકમ ચૂકતે થઈ હતી. અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નાર્શિંગ હોમ્સ એસોસિયેશનના પ્રમુખ ડો. ભરત ગઢવીએ કહ્યું કે, અત્યારે 150થી 200 જેટલી હોસ્પિટલોની પીએમજેએવાય-મા યોજનામાં દર્દીઓની સારવાર પેટે રૂ. 450 કરોડ જેટલી રકમ બાકી બોલે છે, સરકારમાં રજૂઆત કરાતાં હકારાત્મક જવાબ મળ્યો છે અને નાણાં વહેલી તકે મળી રહેશે તેવી બાંયધરી મળી છે. તબીબી સૂત્રો કહે છે કે, મા યોજનામાં હોસ્પિટલોને નાણાંની ચુકવણીમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કેટલીક હોસ્પિટલોને આર્થિક કટોકટીનો સામનો કરવાની નોબત આવી છે. સરકારના સંબંધિત અધિકારીઓ અને વીમા કંપનીના અધિકારીઓનું વલણ પણ વિલંબ માટે જવાબદાર મનાય છે. સરકાર દ્વારા યોજનાનું સંચાલન ચાલતું હતું ત્યાં સુધી સ્થિતિ યોગ્ય હતી પરંતુ વીમા કંપની મેનેજમેન્ટ માટે આવી ત્યારથી સમસ્યાઓ ઊભી થઈ હતી. સરકારની લોકપ્રિય આયુષ્યમાન- મા યોજનામાં સારવારની રકમ 5 લાખથી વધારીને દસ લાખ કરવામાં આવી છે, જો પેમેન્ટમાં વિલંબની સિસ્ટમ ચાલશે તો આગામી સમયમાં બાકી રકમનો આંકડો વધી શકે તેમ છે.


