મહાનગરપાલિકાએ 2879 બોર્ડ, બેનર ઉતાર્યા : આચારસંહિતા લાગુ પડતા તંત્ર કાર્યરત બન્યું
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણની જાહેરાત કરવામાં આવતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતા નો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષોના બોર્ડ,બેનર તથા ભીત ઊપર લખવામાં આવેલા લખાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં 4800 થી વધુ લખાણો,બેનર તથા કટ આઉટ ઉતારી લેવામાં આવ્યા હતા.
રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે આદર્શ આચાર સંહિતા અમલી બનાવવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જગ્યાઓ પરથી આચાર સંહિતાની અમલવારી અનુસાર અનધિકૃત પ્રચારાત્મક બેનર, લખાણો, પોસ્ટર, કટ આઉટ વગેરે દુર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજકોટમાં સમાવિષ્ટ વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ ૪૮૦૦ થી વધુ લખાણો અને પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
વિધાનસભા મત વિસ્તાર ૬૮ રાજકોટ પૂર્વ માંથી જાહેર જગ્યામાંથી ૮૫૨ અને અંગત માલિકીની જગ્યાઓએથી ૨૬૮ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. તે જ પ્રમાણે વિધાનસભા મત વિસ્તાર ૬૯ રાજકોટ પશ્ચિમ માંથી જાહેર જગ્યામાંથી ૯૧૩ અને અંગત જગ્યાઓએથી ૭૪ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૦ રાજકોટ દક્ષિણ માંથી જાહેર જગ્યામાંથી ૬૩૦ અને અંગત જગ્યાઓએથી ૯૮ કેસ,
વિધાનસભા મત વિસ્તાર ૭૧ રાજકોટ ગ્રામ્ય માંથી જાહેર જગ્યામાંથી ૧૧૧ અને અંગત જગ્યાએથી ૧૧ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૨ રાજકોટ જસદણ માંથી જાહેર જગ્યામાંથી ૮૦૮ અને અંગત જગ્યાઓએથી ૧૭૯ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૩ ગોંડલ માંથી જાહેર જગ્યામાંથી ૩૨૭ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૪ જેતપુર માંથી જાહેર જગ્યામાંથી ૧૩૨ અનેઅંગતજગ્યાઓએથી ૪૫ કેસ,વિધાનસભા મત વિસ્તાર ૭૫ ધોરાજીમાંથી જાહેર જગ્યામાંથી ૧૯૬ અને અંગત જગ્યાએથી ૧૮૫ કેસ અંતર્ગત પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે.
મહાનગરપાલિકાએ ૨૮૭૯ પોસ્ટર, બેનર, વોલ રાઇટિંગ દુર કર્યા
લોકસભાની ચૂંટણીની આદર્શ આંચારસંહિતા અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવામાં આવેલ બેનર, બોર્ડ નોડલ ઓફિસર અને નાયબ મ્યુનિ. કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના અનુસાર અત્યાર સુધીમાં કુલ ૨૮૭૯ પોસ્ટર, બેનર, વોલ રાઇટિંગ અને અન્ય સામગ્રી દૂર કરાવવામાં આવી હતી.


