- અનેક મહત્ત્વનાં બિલ રજૂ થયા વિના લટકી રહ્યા છે
- કેટલાક જૂન 2019ના બિલ હજી પાસ થયા નથી
- પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પર ભાગ્યે જ ચર્ચા કરાય છે
લોકસભામાં 700થી વધુ પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. આમાંના કેટલાક બિલ તો કોઈ ગુના માટે દંડ અને સજાની જોગવાઈઓમાં સુધારો કરવાની તેમજ ચૂંટણી કાયદામાં સુધારાની માગણી કરતા છે જે વર્ષોથી પાસ થયા વિના લટકી રહ્યા છે. કેટલાક બિલ તો જૂન 2019માં જ્યારે હાલની આ લોકસભા રચાઈ ત્યારે રજૂ કરાયેલા છે જે હજી પાસ થયા નથી. કેટલાક બિલ આ વર્ષે ઓગસ્ટમાં મળેલા સંસદનાં ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવેલા છે. સાંસદો દ્વારા પોતાની પર્સનલ કેપેસિટીને આધારે સંસદમાં રજૂ કરવામાં આવેલા બિલને પ્રાઈવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે. હાલનાં કાયદામાં ફેરફારો જરૂરી છે તેવી માન્યતાને આધારે જ્યારે નવો કાયદો ઘડવાની માગણી કરીને ખરડો રજૂ કરવામાં આવે તેને પ્રાઈવેટ બિલ સ્વરૂપે સંસદનાં મેજ પર મૂકવામાં આવે છે. સંસદનાં નીચલા ગૃહ લોકસભામાં આવા 713 બિલ પસાર થયા વિના પેન્ડિંગ પડી રહ્યા છે.
કયા બિલો લટક્યા છે?
જે બિલો પેન્ડિંગ છે તેમાં સમાન સિવિલ કૉડ લાવવાની માગણી કરતું બિલ, જાતીય સમાનતા, ક્લાઈમેટ ચેન્જ, કૃષિ સુધારા, હાલનાં ક્રિમિનલ કાયદામાં સુધારા, ચૂંટણી કાયદામાં સુધારા તેમજ બંધારણીય જોગવાઈઓ સાથે ચેડાં કરતી જોગવાઈઓ દૂર કરવાની માગણી કરતા બિલોનો સમાવેશ થાય છે. પ્રાઈવેટ મેમ્બર્સ બિલ પર ભાગ્યે જ ચર્ચા કરાય છે.