- અર્ધલશ્કરી દળો, આરબ લડવૈયાઓના હુમલામાં મોટી જાનહાનિ
- આર્મી ચીફ અને અર્ધલશ્કરી દળોના કમાન્ડર વચ્ચેનો તણાવ યુદ્ધમાં ફેરવાયો છે
- આરએસએફ દારફુરમાં બળવાખોરો વિરુદ્ધ લડી હતી
સુદાનના યુદ્ધગ્રસ્ત દારફુર શહેરમાં 800થી વધુ લોકોના મોત થયા છે. અર્ધલશ્કરી દળો અને તેમના સાથી આરબ લડવૈયાઓ દ્વારા ઘણા દિવસોથી કરવામાં આવી રહેલા હુમલામાં આટલી મોટી જાનહાનિ થયાના અહેવાલ છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)એ આ અંગે માહિતી આપી હતી. સુદાનના સૈન્ય અને અર્ધલશ્કરી દળ રેપિડ સપોર્ટ ફોર્સીસ (આરએસએફ) વચ્ચે છેલ્લા કેટલાય મહિનાઓથી યુદ્ધ જારી છે. આ મહિનાની શરૂઆતમાં પશ્ચિમ દારફુર પ્રાંતમાં અરદામાતાને નિશાન બનાવાયું હતું, જે હુમલામાં પણ મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આર્મી ચીફ જનરલ અબ્દેલ ફતહ બુરહાન અને આરએસએફના કમાન્ડર જનરલ મોહમ્મદ હમદાન ડાગાલો વચ્ચે જારી તણાવ યુદ્ધમાં ફેરવાઇ ગયો. ત્યાર બાદ ગત એપ્રિલથી જ સુદાનમાં આ સ્થિતિ છે. 2019માં લશ્કરી બળવા બાદ નિરંકુશ શાસક ઉમર અલ-બશીરને સત્તા પરથી હટાવાયા બાદથી સુદાનમાં હિંસક ઘટનાઓ બની રહી છે. અલ-બશીરના સત્તાપલટાના 18 મહિના બાદ યુદ્ધ શરૂ થયું હતું. યુએનની શરણાર્થી એજન્સી યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યૂજીસ (યુએનએચસીઆર)ના જણાવ્યાનુસાર દારફુરમાં 800થી વધુ લોકો માર્યા ગયા છે અને અંદાજે 8,000 લોકો પડોશી દેશ ચાડમાં જતા રહ્યા છે. જોકે એજન્સીનું કહેવું છે કે ચાડમાં પણ લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે. પશ્ચિમ દારફુરમાં સુદાનના ડૉક્ટર્સના યુનિયનના વડા સલાહ ટૂરે કહ્યું કે આરએસએફે દારફુરના અરદામાતા કસ્બામાં સતત હુમલા બાદ સૈન્યની એક ચોકી પર કબજો કરી લીધો હતો. ત્યાંથી સૈન્યનો બેઝ હટી ગયો અને લગભગ બે ડઝન જેટલા ઘવાયેલા સૈનિકો ચાડ તરફ ભાગી ગયા હતા. સૈન્ય ચોકી પર કબજા બાદ આરએસએફ અને આરબ લડવૈયાઓએ શહેરમાં તોડફોડ કરી હતી.
સૈન્ય અને અર્ધલશ્કરી દળો કેમ આમનેસામને?
આરએસએફની રચના 2013માં થઇ હતી. તે સૈન્યથી અલગ એક મજબૂત સુરક્ષાદળ છે. આરએસએફ દારફુરમાં બળવાખોરો વિરુદ્ધ લડી હતી. ત્રણ દાયકા સુધી રાષ્ટ્રપ્રમુખ રહેલા ઉમર અલ-બશીરને હટાવવા માટે 2019માં દેખાવો થયા તો સૈન્યએ તેમનો સત્તાપલટો કરી દીધો હતો. બંને પક્ષે અધિકારીઓ જુદાજુદા દાવા કરી રહ્યા છે અને સત્તા પર નિયંત્રણ ઇચ્છે છે, જેના કારણે ઘર્ષણની સ્થિતિ સર્જાઇ છે.


