- ખાનગી એજન્સીએ કરાર આધારિત કર્મીના પગાર લટકાવ્યા
- પગાર મુદ્દે રજૂઆત કરનારા ત્રણેક કર્મીને કાઢી મુકાયા
- આ એજન્સીના અગાઉ પણ ધાંધિયા હતા
અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટ બેઝ પર ફરજ બજાવતા 1000થી 1200 જેટલા વર્ગ-3 અને 4ના કર્મચારીઓનો હજુયે પગાર થયો નથી, સામાન્ય રીતે સાતમી તારીખ આસપાસ પગાર થતો હોય છે, જોકે 18મી ડિસેમ્બર સુધી કર્મચારીઓ વેતનથી વંચિત રહ્યા છે. એટલું જ નહિ પરંતુ સૂત્રોનો દાવો છે કે, પગાર સંદર્ભે વારંવાર રજૂઆત કરનારા ત્રણેક કર્મચારીઓને કોઈને કોઈ વાંકમાં લઈને છુટા કરી દેવાયા છે અને હવે ખાનગી એજન્સી દ્વારા એવી ધાક ધમકી અપાઈ રહી છે કે, 25મી સુધી પગાર નહિ થાય, કોઈએ દેખાવો કે આંદોલન કરવા નહિ, નહિતર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
સિવિલ હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓનો પગાર ન થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે, નવેમ્બર આસપાસ કોન્ટ્રાક્ટ પણ બદલાયો છે, સૂત્રોના કહેવા પ્રમાણે હવે વિશ્વ એન્ટરપ્રાઈઝને જવાબદારી સોંપવામાં આવી છે, જે અગાઉ રાજદીપ એન્ટરપ્રાઈઝ પાસે હતી, રાજદીપ એન્ટર પ્રાઈઝનો કોન્ટ્રોક્ટ સમાપ્ત થયો છે પણ આ એજન્સીએ પણ કર્મચારીઓને રજાની રકમની ચુકવણી કરવામાં આવી નથી. આ એજન્સીના અગાઉ પણ ધાંધિયા હતા, હવે નવી એજન્સી પણ આ જ રસ્તે છે, જેને લઈ કર્મચારીઓ નિરાશ થયા છે. લેબોરેટરી ટેક્નિશિયન, એક્સરે ટેક્નિશિયન, લિફ્ટ મેન, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટ સહિતના કર્મચારીઓ પગારથી વંચિત છે.


