સાસુના ત્રાસ અને પતિની લફરાબાજીથી કંટાળી પરિણીતાએ કર્યો હતો આપઘાત
મૃતકના ભાઈની ફરિયાદ પરથી પતિ અને સાસુ સામે આજીડેમ પોલીસે ગુનો નોંધ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ફરી એક વખત વૈવાહિક ત્રાસનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ઓમ રેસિડેન્સીમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પરિણીતાને પતિની લફરાબાજી અને સાસુ દ્વારા કરવામાં આવતા સતત માનસિક-શારીરિક ત્રાસથી કંટાળી આ અંતિમ પગલું ભરવું પડ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે પતિ અને સાસુ સામે આપઘાતની ફરજ પાડવાના ગુનામાં કાર્યવાહી શરૂ કરી છે.
મૂળ ચોટીલાના ચિરોડા ગામના વતની અને હાલ રાજકોટમાં નવા 150 ફૂટ રીંગ રોડ પર અટલ સરોવરની સામે રહેતા અનિલભાઈ રતાભાઈ ચૌહાણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની નાની બહેન ગુડ્ડીબેનના લગ્ન તારીખ 4 માર્ચ 2024ના રોજ રાજદીપ રતિલાલ જતાપરા સાથે થયા હતા. લગ્ન બાદ થોડા સમય સુધી બધું સામાન્ય હતું, પરંતુ બાદમાં સાસુ ભાનુબેન જતાપરાએ ઘરકામ બાબતે અવારનવાર મેણાટોણા શરૂ કર્યા હતા.
ફરિયાદ મુજબ, ગુડ્ડીબેનને સાસુ દ્વારા એક રૂમમાં પૂરી રાખવામાં આવતી, સમયસર જમવાનું આપવામાં આવતું ન હતું અને નાની નાની વાતોમાં અપમાનિત કરવામાં આવતી. બીજી તરફ, પતિ રાજદીપના અન્ય મહિલાઓ સાથે આડા સંબંધ હોવાની શંકા અંગે જ્યારે પત્ની પ્રશ્ન ઉઠાવતી ત્યારે તે ઉશ્કેરાઈ જઈ ઝઘડા કરતો અને ત્રાસ આપતો હતો. આ સતત માનસિક અને શારીરિક ત્રાસ અંગે ગુડ્ડીબેને માવતરને અનેક વખત જાણ કરી હતી, પરંતુ પરિવારજનોએ સમાધાન માટે સમજાવીને પરત મોકલી દીધી હતી.
ગત 3 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે લગભગ 9:30 વાગ્યે પતિ રાજદીપે સાસરિયા પક્ષને ફોન કરી જણાવ્યું હતું કે ગુડ્ડીબેન રૂમનો દરવાજો ખોલતી નથી. બાદમાં પરિવારજનોએ ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો. અંતે દરવાજો તોડી તપાસ કરતા ગુડ્ડીબેન ઝેરી દવા પી લીધેલી હાલતમાં મળી આવી હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા તબીબોએ સ્થળ પર જ તેણીને મૃત જાહેર કરી હતી.
આ ઘટનાથી પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના ભાઈએ બહેનને થયેલા ત્રાસ અંગે વિગતવાર ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે પતિ રાજદીપ જતાપરા અને સાસુ ભાનુબેન જતાપરા સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવી રહી છે.


