- એરપોર્ટ તંત્રે વેકેશન અને વર્લ્ડકપ ફાઈનલને લઈને મુસાફરો માટે ખાસ એડવાઈઝરી જાહેર
- VVIP મુવમેન્ટને પગલે પેસેન્જરોને સમય કરતા વહેલાં એરપોર્ટ આવવા અપીલ
- આગામી સપ્તાહ દરમિયાન મુસાફરોની ભારે અવરજવરની શકયતા
દિવાળી વેકેશન અને વર્લ્ડકપની ફાઈનલ મેચને પગલે અમદાવાદ એરપોર્ટ દ્વારા ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. દિવાળી વેકેશનને પગલે પેસેન્જરોની સંખ્યામાં વધારો થવાની સંભાવનાઓ અને ફાઈનલ મેચમાં VVIP મુમેન્ટને પગલે સુરક્ષા વ્યવસ્થા અને ભીડ ન ઉભી થાય તે માટે પેસેન્જરોને સમય કરતાં વહેલા એરપોર્ટ પહોંચવા માટે તાકિદ કરવામાં આવી છે. વર્લ્ડકપની ફાઈનલ મેચને પગલે 60થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મુમેન્ટ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, તહેવારોની સીઝનમાં અને વર્લ્ડકપની ફાઈનલ મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડની આશંકા વ્યક્ત કરાઈ છે. જે પગલે આગામી સપ્તાહ દરમિયાન મુસાફરોની ભારે અવરજવરની શકયતા છે. આથી SVPIA પરથી મુસાફરી કરતા મુસાફરોને તાકિદ કરાયું છે કે, એરપોર્ટની કેટલીક ઔપચારિકતા અને ફરજિયાત સુરક્ષા પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમયની ફાળવણી કરે. જેને કારણે જો એરપોર્ટ પર વધુ ભીડ થાય તો પણ સમયસર ફ્લાઇટમાં પહોંચી શકાય. આ સાથે VVIP મુમેન્ટની શક્યતાઓને પગલે પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર ભારત-પાક મેચના દિવસે 58 ચાર્ટર્ડ પ્લેનના મુમેન્ટ જોવા મળ્યાં હતાં.


