– બેન્ક કર્મચારીઓના પગારમાં પંદર ટકા વધારો કરવા પણ ચર્ચા
Updated: Oct 29th, 2023
મુંબઈ : ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ એક તરફ દેશના યુવાનોને સપ્તાહમાં સીતેર કલાક કામ કરવાની હાકલ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ દેશની બેન્કોમાં પાંચ દિવસનું સપ્તાહ ઉપરાંત પગારમાં પંદર ટકા વધારો કરી આપવાની હિલચાલ શરૂ થઈ છે.
મળતી માહિતી પ્રમાણે દેશની જાહેર ક્ષેત્રની બેન્કો તથા ખાનગી બેન્કો તેમના કર્મચારીઓના વેતનમાં વધારો કરવા વિચારી રહી છે. દેશની બેન્કોની નાણાં સ્થિતિમાં તાજેતરમાં જોરદાર સુધારો થયો છે અને બેન્કો નોંધપાત્ર નફો કરતી થઈ છે, ત્યારે કર્મચારીઓના પગારમાં વધારો કરવા બેન્કના કર્મચારી સંગઠનો તરફથી રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કેટલીક બેન્કોએ તો આ માટે જોગવાઈ કરવાનું પણ શરૂ કરી દીધુ હોવાનું તેમના સપ્ટેમ્બર ત્રિમાસિક પરિણામો પરથી જણાય છે. કર્મચારી સંગઠનો તથા બેન્કો વચ્ચે ચાલી રહેલી મંત્રણા પર નાણાં મંત્રાલય પણ નજર રાખીને બેઠું છે.
દેશમાં બેન્ક કર્મચારીઓ મોટી વોટબેન્ક હોવાનું ધ્યાનમાં રાખી સરકાર પણ તેમને નારાજ કરવા માગતી નથી. આ અગાઉ ૨૦૨૦માં વેતન કરાર ત્રણ વર્ષની ચર્ચા બાદ કરાયો હતો.
દરમિયાન બેન્કોમાંં સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાની દરખાસ્તને ઈન્ડિયન બેન્કસ એસોસિએશને આ અગાઉ જ મંજુરી આપી દીધી છે અને નાણાં મંત્રાલય તથા રિઝર્વ બેન્કની મંજુરીની રાહ જોવાઈ રહી છે.
ટેકનોલોજીના જમાનામાં બેન્કના ખાતેદારો દ્વારા બેન્કમાં પ્રત્યક્ષ હાજરી એકદમ ઘટી ગઈ છે ત્યારે પાંચ દિવસનું સપ્તાહ કરવામાં કોઈને મુશકેલી નહીં પડે એવી દલીલ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ ભારતની ઉત્પાદકતા વિશ્વમાં એકદમ નીચા સ્તરમાંની એક છે એમ જણાવી નારાયણ મૂર્તિએ દેશના યુવાનોને દેશના ઘડતર માટે વધુ કલાકો કામ કરવાની હાકલ કરી છે, જેથી આપણે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકીએ. દેશની બેન્કો હાલમાં રવિવાર ઉપરાંત બીજા – ચોથા શનિવારે બંધ રહે છે.