21 મેએ મંગળવારે મધ્યપ્રદેશના ભોપાલથી ઈટારસી જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન એક મોટી દુર્ઘટનાથી માંડ માંડ બચી ગઈ છે. આ ઘટના પ્રેમતલાબ રેલ્વે ક્રોસિંગ પાસે બની હતી, જ્યાં ભારે વાવાઝોડાને કારણે નિર્માણાધીન રેલ્વે અંડરપાસના ભારે લોખંડના સળિયા વળાંક લઈને પાટા પર પડી ગયા હતા, આ સળીયા ટ્રેન સાથે અથડાયા છે અને તેને લઈને ટ્રેનને મોટું નુકસાન થયું છે, જો કે તમામ મુસાફરો સલામત છે.
ડ્રાઈવરની સતર્કતા અને સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી
તમને જણાવી દઈએ કે આ ટ્રેન ભોપાલથી ઈટારસી તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ ડ્રાઈવરની સતર્કતા અને સમજદારીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ટ્રેક પર અવરોધ દેખાતાની સાથે જ ટ્રેનને તાત્કાલિક ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ રેલવે વ્યવહારને અસર થઈ છે. લગભગ દોઢ કલાક સુધી રેલ્વે ટ્રેક બ્લોક રહ્યો. આ દરમિયાન રેલવે અધિકારીઓ અને એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચી ગયા. વરસાદ અને કરા વચ્ચે ટીમે લોખંડના સળિયા કાપીને પાટા પરથી દૂર કર્યા અને રેલવે સેવા પુનઃસ્થાપિત કરી દીધી છે.
બાંધકામના કામોની સલામતી પર ખાસ ધ્યાન આપવું જરૂરી
આ અકસ્માત બાદ રેલ્વે વહીવટીતંત્રએ બાંધકામ સ્થળ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા શરૂ કરી દીધી છે. ભારે પવન, તોફાન અને વરસાદને કારણે આ વિસ્તારમાં અન્ય સ્થળોએ નુકસાનના અહેવાલો છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે કુદરતી આપત્તિ દરમિયાન બાંધકામના કામોની સલામતી પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે, જેથી આવા અકસ્માતો ટાળી શકાય.