મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં ગુરુવારે સાંજે એક મોટી દુર્ઘટના બની છે. કોલસાની ખાણના સ્લેબ ધરાશાયી થતાં કેટલાક કામદારો કાટમાળ નીચે દટાઈ ગયા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ-પ્રશાસન અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી છે.
દુર્ઘટનામાં 3 મજૂરોના થયા મોત
અત્યાર સુધીમાં કાટમાળમાંથી 3 કામદારોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમને ડોક્ટરોની ટીમે મૃત જાહેર કર્યા છે. તેમને WCL, SDRF અને પોલીસ દળની ટીમોએ બચાવ્યા હતા. ગુરુવારે સાંજે બેતુલ જિલ્લાના સરાનીમાં બાગડોના-છતરપુર ખાણમાં આ અકસ્માત થયો હતો, જેમાં ખાણની છત તૂટી પડવાથી 3 કામદારોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ ધારાસભ્ય, કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. કલેક્ટરની સૂચના પર તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં ખાણમાં કામ કરતા અન્ય કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ દુર્ઘટનામાં 3 મજૂરોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
મૃતકોના પરિવારજનોને આર્થિક મદદ કરાશે
આ અકસ્માતમાં ગોવિંદ કોસરિયા (37) શિફ્ટ ઇન્ચાર્જ, હરિ ચૌહાણ (46) ઓવરમેન, રામદેવ પંડોલે (49) ખાણકામ સરદારનું મૃત્યુ થયું છે. ધારાસભ્ય અને કલેક્ટરે વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ (WCL)ના GMને જીવન સુરક્ષા યોજના હેઠળ મૃતકોના પરિવારોને તાત્કાલિક રૂપિયા 1.5 લાખની સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
જિલ્લા વહીવટીતંત્ર અકસ્માતની તપાસમાં વ્યસ્ત
આ ઉપરાંત, એક્સ-ગ્રેશિયા, ગ્રેચ્યુઇટી, વળતર, પીએફ અને લાઇફ એન્કેશમેન્ટની રકમ ટૂંક સમયમાં રિલીઝ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ ઘટના બાદ વહીવટીતંત્રએ ખાણકામ સલામતી ધોરણોની સમીક્ષા કરવા સૂચનાઓ આપી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય. હાલમાં, બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને અધિકારીઓ દ્વારા અકસ્માતના કારણની વિગતવાર તપાસ ચાલી રહી છે.