અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ છે, તો બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. બન્ને વચ્ચે કાંટાની ટક્કર છે. આ દિવસોમાં આખી દુનિયાની નજર અમેરિકાની ચૂંટણી પર છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકાની ચૂંટણીને લઈને એવું નિવેદન આપ્યું કે, જેનાથી અમેરિકા નારાજ થઈ ગયું.
અમેરિકા કેમ ગુસ્સે થયું?
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, અમેરિકાની ચૂંટણીમાં તેઓ કમલા હેરિસને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરે છે અને તેનું સમર્થન કરે છે. જે બાદ અમેરિકા ગુસ્સે થઈ ગયું હતું. વ્હાઇટ હાઉસે પુતિનને અમેરિકાની ચૂંટણીમાં હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું છે. વ્હાઇટ હાઉસે વ્લાદિમીર પુતિનને અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે ‘વાત ન કરવા’ વિનંતી કરી છે.
અમેરિકાના લોકોએ જ નક્કી કરવું જોઈએ
નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું હતું કે, માત્ર અમેરિકાના લોકોએ જ નક્કી કરવું જોઈએ કે સંયુક્ત રાજ્ય અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે. ‘અમે ખૂબ આભારી હોઈશું જો મિસ્ટર પુતિન અમારી ચૂંટણીઓ વિશે વાત કરવાનું બંધ કરશે અને હસ્તક્ષેપ કરવાનું બંધ કરશે.’
પુતિને શું નિવેદન આપ્યું?
ગુરુવારે વ્લાદિવોસ્તોકમાં ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં બોલતા પુતિને કહ્યું કે, તે હેરિસને સમર્થન આપી રહ્યો છે કારણ કે તે “એટલું સ્પષ્ટ અને બીજાને પંસદ આવનારી સ્માઈલ આપે છે કે તેનો અર્થ એ છે કે તેની સાથે બધું સારું છે”. એટલા માટે મારું સમર્થન તેમની સાથે છે. તેમના આ નિવેદન બાદ પુતિન અને મોડરેટર બન્ને હસવા જોવા મળ્યા. જ્યારે તેમણે આ ટિપ્પણી કરી તેના પર દર્શકોએ તાળીઓ પાડી.
2016, 2020માં રશિયા સામે ગંભીર આરોપો
અમેરિકાની એજન્સીઓ દાવો કરે છે કે, પુતિને 2016ની ચૂંટણી દરમિયાન હિલેરી ક્લિન્ટન વિરુદ્ધ ટ્રમ્પના અભિયાનમાં મદદ કરવા માટે ખોટા માહિતીનું અભિયાન ચલાવ્યું હતું. જ્યાર બાદ રશિયાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન સમાન દાવા કરવામાં આવ્યા હતા, જેમાં જો બાઈડેન જીત્યા હતા. જો કે, આ મહિનાની શરૂઆતમાં મેટાના CEO માર્ક ઝકરબર્ગે સ્વીકાર્યું હતું કે કોઈ રશિયન દુષ્પ્રચાર ન હતો અને FBI તથા અન્ય એજન્સીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કન્ટેન્ટને સેન્સર કરવા દબાણ કર્યું હતું.
2024ની ચૂંટણીમાં પણ રશિયા પર ગંભીર આરોપો
બાઈડેન પ્રશાસને બુધવારે રશિયા પર આરોપ લગાવ્યો છે કે, તે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવાના ગંભીર પ્રયાસો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ જો બાઈડેનના પ્રશાસને આક્ષેપ કર્યો છે કે, ખોટી માહિતીને પ્રોત્સાહન આપવાની સાથે રશિયાની સરકારી મીડિયા દ્વારા દુષ્પ્રચાર માટે કેટલાક પ્રભાવશાળી અમેરિકાના લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરી શકે છે. અમેરિકાની સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં સરકારી મીડિયા સંસ્થા RTના એક અધિકારી વિરુદ્ધ પ્રતિબંધ લગાવાનું સમાવેશ છે, જેમને ન્યાય વિભાગ દ્વારા વિદેશી એજન્ટ તરીકે નોંધણી કરાવવાની ફરજ પાડવામાં આવી હતી, તેમજ વિઝા પ્રતિબંધોનો પણ સમાવેશ થાય છે.
ગુપ્તચર એજન્સીઓ પહેલાથી જ લગાવી ચૂકી છે આરોપ
ગુપ્તચર એજન્સીઓએ અગાઉ રશિયા પર ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા માટે ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, એટર્ની જનરલ મેરિક ગારલેન્ડ તરફથી અપેક્ષિત જાહેરાત અમેરિકાની ઊંડી ચિંતાનો સંકેત આપી શકે છે. ન્યાય વિભાગના પ્રવક્તાએ આ વિષય પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના કાર્યાલયના એક અધિકારીએ તાજેતરના બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે, “રશિયા (અમેરિકાની) રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સહિતની ચૂંટણીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે” એધિકારીઓએ જણાવ્યું કે, ક્રેમલિન સાથે જોડાયેલા જૂથો ડિજિટલ પ્રચાર-પ્રસારના કામને આઉટસોર્સ કરવા માટે રશિયામાં માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ કંપનીઓ ભરતી કરી રહી છે.


