સેરેનીટી ગાર્ડનના હોદેદારોએ બિલ્ડીંગની અંદર અને બહાર મોટા પાયે દબાણ કર્યાની વિવિધ તંત્રને ફરિયાદ બાદ પગલા લેવાયા : લેન્ડગ્રેબિંગની પણ ફરિયાદ
શહેરના કાલાવડ રોડ પર આવેલા સેરેનીટી ગાર્ડન નામના ટાવર એપાર્ટમેન્ટના હોદેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે હોદેદારો દ્વારા બિલ્ડીંગની બહારની ભાગે જાહેર રસ્તા પર કરવામાં આવેલ બસ સ્ટેન્ડ સહિતના દબાણને મ્યુ.તંત્રની ટીપી શાખાએ આજે સાફ કરી નાંખ્યુ હતું.
મનપા તંત્રની ટીપી શાખાને એવી ફરિયાદ મળી હતી કે સેરેનીટી ગાર્ડનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે હોદેદારો દ્વારા બિલ્ડીંગની અંદર અને બહારના ભાગે ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તે દૂર કરવામાં આવે. ફરિયાદની ચકાસણી થયા બાદ સેરેનીટી ગાર્ડનના હોદેદારોએ રસ્તાઓ પર બસ સ્ટેન્ડ સહિત ગેરકાયદે ઉભુ કરેલુ દબાણ જણાતા મ્યુ.તંત્રની ટીપી શાખાના અધિકારી-કર્મચારીઓ દ્વારા આજે સવારે આ દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સેરેનીટી ગાર્ડનના હોદેદારો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી વગેરે સામે મનપા તંત્ર તથા અન્ય સરકારી તંત્રમાં ગેરકાયદે દબાણની ફરિયાદ કરવામાં આવી હતી. આ અનુસંધાને મનપા તંત્રએ બિલ્ડીંગની બહારના ગેરકાયદે બાંધકામની ચકાસણી કરી તાત્કાલીક ડિમોલીશન કર્યુ છે. તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ નજીકના ભવિષ્યમાં આ બહુમાળી ઇમારતની અંદર પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે દ્વારા કરવામાં આવેલા દબાણ અંગે તપાસ કરી મનપા તંત્રના મંજૂર થયેલા માળખા મુજબનું જે બાંધકામ નહી હોય અને દબાણ કરવામાં આવ્યુ હશે તે દૂર કરવામાં આવશે.
દરમિયાનમાં મળતી વિગત મુજબ સેરેનીટી ગાર્ડનના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વગેરે સામે પોલીસ તંત્રમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પણ થઇ હોવાનું જાણવા મળે છે. ટુંક સમયમાં આ ફરિયાદ અંગે પણ વિવિધ તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે.
મળતા નિર્દેશો મુજબ કેટલાક લોકો તેમની ઉંચી વગ છે તેવુ કહી આ ઇમારતમાં સામાન્ય સભ્યોને પ્રભાવમાં લઇ બિલ્ડીંગની અંદર અને બહાર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં સફળ થયા હતાં. કેટલાક સમજુ ફલેટ ધારકોએ કાયદો હાથમાં ન લેવાની સલાહ પણ આપી હતી પરંતુ તાકાતના જોરે આવા લોકોનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. હવે તંત્ર દ્વારા આ રીતે ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવતા શાંતિપ્રિય અને કાયદાપ્રિય રહેવાસીઓમાં પણ આ હોદેદારો સામે કચવાટની લાગણી ફેલાઇ છે. આ હોદેદારો સેરેનીટી ગાર્ડનના કર્તાહર્તા સમાહર્તા હોય તે રીતે સમગ્ર એસોસીએશનના પોતે માલિક હોય તે રીતે ફલેટ હોલ્ડર્સ સાથે વર્તાવ કરતા હોવાની ફરિયાદ છે. એટલુ જ નહી આપખુદ શાહી કરી એકલ-દોકલ સભ્યો સાચી વાત કરે તો તેને તેનો અવાજ રૂંધી નાંખવામાં આવતો હોવાની પણ ફરિયાદ છે. આવા હોદેદારોને તાત્કાલીક ધોરણે દૂર કરવા માટે પણ એક સુર ઉઠયો છે.