ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્કમાં કથિત ગેરરીતિઓની તપાસ બાદ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ મુખ્ય આરોપી હિતેશ મહેતાની ધરપકડ કરી છે. EOWએ હિતેશ મહેતાને સમન્સ મોકલ્યું હતું. આ પછી હિતેશ EOW ઓફિસ પહોંચ્યો અને આ દરમિયાન ટીમે તેમની પૂછપરછ કરી હતી. ત્યારબાદ હિતેશની ધરપકડ કરવામાં આવી છે.
બેન્કના કેટલાક કર્મચારીઓએ ભંડોળનો દુરુપયોગ કર્યો
મુંબઈ સ્થિત ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક પર વ્યાપાર પ્રતિબંધ લાદ્યા પછી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ શુક્રવારે બેન્કના કામકાજમાં ગંભીર અનિયમિતતાઓનો ઉલ્લેખ કર્યો, તેના બોર્ડને બરતરફ કર્યું અને તેના પુનરુત્થાન માટે એક વહીવટકર્તાની નિમણૂક કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેન્કના કેટલાક કર્મચારીઓએ ભંડોળનો દુરુપયોગ કર્યો હતો, જેના કારણે આ કટોકટી સર્જાઈ હતી. RBIના નિર્ણય પછી ચિંતાગ્રસ્ત ગ્રાહકો ગઈકાલ સવારથી જ બેન્ક શાખાઓની બહાર પૈસા ઉપાડવાની આશામાં ભેગા થવા લાગ્યા હતા, પરંતુ તેમને બેન્ક પરિસરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
હિતેશ પર દબાણ કેવી રીતે વધ્યું?
તમને જણાવી દઈએ કે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેન્કમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. એવો આરોપ છે કે જ્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા અને દાદર અને ગોરેગાંવ શાખાઓના પ્રભારી હતા, ત્યારે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને આ કૌભાંડ કર્યુ હતું. બેન્કના ચીફ એકાઉન્ટ્સ ઓફિસર દ્વારા દાદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે. પોલીસને શંકા છે કે હિતેશ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ આ કૌભાંડમાં સામેલ હોઈ શકે છે. આ મામલો વધુ તપાસ માટે આર્થિક ગુના શાખા (EOW)ને સોંપવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે આ કૌભાંડ 2020થી 2025ની વચ્ચે થયું હતું. દાદર પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 316 (5) અને 61 (2) હેઠળ FIR નોંધી છે.
RBIએ કરી કડક કાર્યવાહી
શુક્રવારે RBIએ બેન્કના બોર્ડને એક વર્ષ માટે બરતરફ કર્યું અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર શ્રીકાંતને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બેન્કને મદદ કરવા માટે એક સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેમાં SBIના ભૂતપૂર્વ જનરલ મેનેજર રવિન્દ્ર સપ્રા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અભિજીત દેશમુખનો સમાવેશ થાય છે. RBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બેન્કમાં નબળા વહીવટી ધોરણોને કારણે આ કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર RBI દ્વારા ‘સ્થળ નિરીક્ષણ’ બાદ બેન્કના CCOએ ગુરુવારે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW)માં ફરિયાદ નોંધાવી હતી.
પૈસા ઉપાડવા અને લોન આપવા પર પ્રતિબંધ લગાવાયો
ગુરુવારે, RBIએ બેન્કને નવી લોન આપવા અને થાપણો ઉપાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધો આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે અને સમીક્ષાને પાત્ર રહેશે. RBIએ જણાવ્યું હતું કે બેન્કની વર્તમાન તરલતાને ધ્યાનમાં લેતા બેન્કને બચત અથવા ચાલુ ખાતા અથવા અન્ય કોઈપણ ખાતામાંથી ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.