- બંધ બોડીના સેન્ટરમાં કાટમાળનો નિકાલ, ધૂળની રજકણથી છુટકારો
- વૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ શેડ ઊભા કરાશે
- ભવિષ્યમાં 15 સેન્ટરનું આયોજન, AQI જળવાશે
AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કન્સ્ટ્રક્શન સાઇટ તેમજ મકાન રિપેરિંગમાંથી નીકળતા બિલ્ડિંગ મટિરિયલ્સ – કાટમાળના કારણે ઊડતી ધૂળ, રજકણોના કારણે એર પોલ્યુશનની સમસ્યા ન સર્જાય તેમજ અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) યોગ્ય સપાટીએ જળવાઈ રહે તે હેતુસર કાટમાળના નિકાલ માટે ‘કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન વેસ્ટ કલેક્શન સેન્ટર’ ઊભા કરાશે. AMC દ્વારા બાંધકામ મટીરીયલ્સના કાટમાળનો વ્યવસ્થિત રીતે નિકાલ કરવા માટે નવી વ્યવસ્થા ઉભી કરાશે. AMC દ્વારા રૂ. પાંચ કરોડના ખર્ચે શહેરમાં ત્રણ સ્થળે C&D સેન્ટર ઊભા કરાશે અને ભવિષ્યમાં 15 જેટલા સેન્ટર તૈયાર કરાશે. AMC દ્વારા ઉપરની સાઇડ વોટર સ્પ્રે માટે મિસ્ટિંગ સિસ્ટમ સાથેના મિસ્ટ મશીન મુકાશે અને આસપાસ વૃક્ષારોપણ સાથેના ચારે બાજુથી બંધ શેડ ઊભા કરાશે. આ C&D સેન્ટરમાં કાટમાળ ઠાલવવામાં આવ્યા પછી તેના પર પાણીનો છંટકાવ કરીને પ્રોસેસ કરાશે. જેના પરિણામે ડસ્ટિંગ- ધૂળ ઉડશે નહીં અને ઘોંઘાટ નહીં સર્જાવાને કારણે નોઈઝ પોલ્યુશન પણ સર્જાશે નહીં. સૂત્રોના જણાવ્યાનુસાર, શહેરમાં કન્સ્ટ્રક્શન સાઈટો અને નાના- મોટા બાંધકામમાંથી નીકળતા રેતી, રોડાં, વગેરે જેવા કાટમાળના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે ખુલ્લી જગ્યામાં અને પ્લોટમાં કાટમાળ નાખી જતા હોય છે અને તેના કારણે ધૂળ, રજકણો ઉડવાને કારણે એર પોલ્યુશનની સમસ્યા જોવા મળે છે અને શહેરના AQIને માઠી અસર થાય છે.
આ સ્થળે સેન્ટર ઊભા કરાશે
પૂર્વ ઝોનમાં ક્રિસ્ટલ પેલેસ એરિયા, SP રિંગ રોડ, પશ્ચિમ ઝોનમાં વાસણામાં TVS શો રૂમ પાછળ સોરાઈનગર અને દક્ષિણ ઝોનમાં નારોલમાં રાજેન્દ્ર રેસિડેન્સી નજીક.


