- SVPમાં 50 ટકા ઓછી કિંમતે ટેસ્ટ કરી આપવાની યોજના વધુ એક વર્ષ લંબાવાઈ
- હોળી પહેલાં રોડાના કામ પૂર્ણ કરવા સૂચના
- AMTSની વધુ 6 ડબલ ડેકર બસ દોડાવાશે
AMC દ્વારા કચરો એકત્રિત કરતી ‘ડોર ટુ ડોર’ ગાડીઓ મારફતે રિબેટ- ઈન્સેન્ટિવ સ્કીમનો પ્રચાર કરવા માટે નવતર પ્રયોગ કરાશે. AMTS દ્વારા શહેરમાં વધુ 6 ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. ઉનાળામાં નાગરિકોને પૂરતા પ્રેશરથી પાણી આપવા માટે પગલાં લેવા તાકીદ કરાઈ છે. ખાનગી હોસ્પિટલોની સરખામણીએ SVP હોસ્પિટલમાં 31 જેટલા ટેસ્ટ 50 ટકા ઓછી કિંમતે કરી આપવાની યોજના વધુ 1 વર્ષ લંબાવાઈ છે. શહેરમાં હાલ 88 રોડના કામો ચાલી રહ્યા છે અને હોળી- ધુળેટીના તહેવાર પહેલાં રોડના કામો પૂરા કરવા તાકીદ કરાઈ છે.
ચોમાસામાં વરસાદી પાણી ભરાવાથી નાગરિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે હેતુસર વોટર લોગિંગ સ્થળ નક્કી કરીને ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નાંખવા સહિતના પગલાં લેવા સૂચના અપાઈ છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે, મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણાં માટે વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકાઈ છે. AMC દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી કચરો એકત્રિત કરવા માટે ફરતી ગાડીઓ મારફતે ટેક્સ રિબેટની સ્કીમ અંગેની ધૂન- ગીત વગાડીને રિબેટ સ્કીમના અમલીકરણ અંગે પ્રચાર કરાશે. આગામી સમયમાં AMTSની વધુ 6 ડબલ ડેકર બસ ખરીદ કરાશે અને તા.12 માર્ચ સુધીમાં ડબલ ડેકર બસ આવી જશે. જેના રૂટ કયા કયા હશે તે નક્કી કરવા માટે અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. ઉનાળામાં પાણીની માગ વધતી હોવાથી પાણીની ટાંકી પૂરતી ભરવામાં આવે અને પાણીના અપૂરતા પ્રેશરની ફરીયાદો ન ઊઠે તેવી સૂચના અપાઈ છે.


