તક્ષશીલા કાંડ સમયે રાજકોટની શૈક્ષણિક સંસ્થા, વેપાર ધંધાર્થીઓએ રેગ્યુલાઇઝ કરવા મુદત માંગી હતી પરંતુ કોઇએ પ્રોપર્ટી રેગ્યુલાઇઝ ન કરતા આકરા પગલા લેવા પડયા
સૌ પ્રથમ ૪૮ કલાકમાં શાળાઓ અંગે નિર્ણય લેવાશે બાદમાં હોસ્પિટલો અને વેપાર-ઉદ્યોગ મુદ્દે પરમિશનની કાર્યવાહી થશે
રાજકોટ મનપા ખાતે ધસી ગયેલા વેપાર ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાના પ્રતિનિધિઓની ઉગ્ર રજુઆત : પ્રોપર્ટીના સીલ ખોલવા માંગણી
ટીઆરપી આગકાંડના પગલે રાજકોટ મનપા દ્વારા શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો તથા વેપાર ઉદ્યોગના સંકુલોની તપાસ ચાલી રહી છે. આ તપાસ દરમિયાન ફાયર પરમિશન, બીયુ તથા અન્ય ધારાધોરણોનું પાલન ન કરનાર સંસ્થાઓને ધડાધડ સીલ લાગી રહ્યા છે. સમગ્ર રાજકોટમાં સેંકડો સંસ્થાઓ આ કારણે બંધ થઇ જતાં દેકારો બોલી ગયો છે. આજે મનપા કચેરીએ ચેમ્બર અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ૪૦૦થી વધુ પ્રતિનિધિઓ ધસી ગયા હતાં.
આ પ્રતિનિધિ મંડળે સીલ કરેલી પ્રોપર્ટીઓ તાત્કાલીક ખોલવા માટે મ્યુ.કમિશનર દેવાંગ દેસાઇને રજૂઆત કરી હતી. આ રજુઆત અનુસંધાને મ્યુ.કમિશનરે પ્રતિનિધિઓને એવી ખાતરી આપી હતી કે આગામી ૪૮ કલાકમાં સૌ પ્રથમ શાળાઓ અને શૈક્ષણિક સંકુલોના સીલ ખોલવા કાર્યવાહી થશે. પરંતુ જેમના ફાયર એનઓસી હશે તેમને જ બીયુ વગેરેની ઘટતી મંજૂરી આપવા યોગ્ય લાગશે તો આપવામાં આવશે અન્યથા ગેરકાયદે બાંધકામો તોડી નાંખવામાં આવશે. બાદમાં હોસ્પિટલો અને વેપાર-ધંધા અને ઉદ્યોગના સ્થળોએ તપાસ થશે.
મ્યુ.કમિશનર દેસાઇએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુરતના તક્ષશીલા કાંડ સમયે પણ રાજકોટમાં મનપા તંત્રએ વેપાર ઉદ્યોગ, શાળાઓ, હોસ્પિટલો સહિતના સંકુલોમાં તપાસ કરી હતી. તકેદારીના પગલા રૂપે તમામ એકમોને એનઓસી લઇ લેવા અને ગેરકાયદે બાંધકામ હટાવી લેવા માટે તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી સંસ્થાઓ દ્વારા જરૂરી સાવચેતીના પગલા લેવામાં ન આવતાં હવે આવી કોઇ રજુઆતો સ્વીકારવામાં આવશે નહી. તજજ્ઞોની ટીમ સ્થળ પર પ્રોપર્ટીની તપાસ કરી યોગ્ય લાગશે તે સ્થળે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી મંજૂરી આપશે અને જયાં જોખમ લાગશે અથવા નિયમોનો ભંગ લાગશે તેવા સ્થળોએ તાત્કાલીક બાંધકામ હટાવી લેવા કાર્યવાહી થશે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે રાજકોટમાં હાલ ૫૦ ટકાથી વધુ એકમોને નોટીસો અને તપાસ થઇ ગઇ છે અને ચોમેરથી તમામ યુનિટો એક બાદ એક સીલ થવા માંડતા વેપાર ઉદ્યોગને અસર થઇ છે.
સિક્કાની બીજી બાજુ એ પણ સત્ય છે કે ટીઆરપીકાંડ બાદ તંત્ર પગલા નથી લેતું તેવી વ્યાપક ફરિયાદ મીડિયામાં અને ચોમેર ઉઠી છે. આથી ભવિષ્યમાં ટીઆરપીકાંડ ન થાય તે માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે અને તેને તમામ સ્થળેથી સહકાર મળે તે જરૂરી બન્યું છે.


