- બે મહિને રખડતા ઢોર પકડવા તંત્ર જાગ્યું
- ત્યાં તો ઢોર માલિકો સાથે તકરાર સર્જાઈ
- પાલિકાની ટીમ સાથે ઝપાઝપી કરનાર શખ્સો વિરુદ્ધ ફ્રિયાદ
મહેસાણા શહેરમાં જાહેર જગ્યા પર રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમ ઉભું કરતા રખડતા ઢોરો મામલે પાલિકાની ટીમે બે માસ બાદ ઢોર પકડવાની કામગીરી પુનઃ શરૂ કરી હતી. જેમાં એજન્સી રાહે પાલિકાની ટીમે 33 ગાયો અને 3 આખલા મળી કુલ 36 રખડતા ઢોર પકડી પાંજરે પૂર્યા હતાં. જે પૈકીની 4 ગાયો પશુપાલકો દ્વારા દંડ ભરી મુક્ત કરાવવામાં આવી હતી.
મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોને લઈ અગાઉ અનેક વાર નાના મોટા અકસ્માતોની ઘટના બની ચુકી છે. ત્યારે રખડતા ઢોરોને નિયંત્રીત કરવાની કામગીરી માટે પાલિકાએ બે વર્ષનું ટેન્ડર કરી કામગીરી શરૂ કર્યાના 8 જ મહિનામાં બે વર્ષનું બજેટ ખર્ચ કરી નાખ્યું હતું. ત્યાં વધુએ એક બજેટ ખર્ચ માટે સામાન્ય સભા મંજૂરી મેળવવા પ્રક્રિયા કરી પાલિકાની સેનેટરી શાખા દ્વારા બે મહિના બાદ ઢોર પકડવાની કામગીરી પુનઃ શરૂ કરવામાં આવી હતી.
જેમાં પાલિકા દ્વારા એજન્સી રાહે જી.ઇ.બી. રોડ, તોરણવાળી ચોક, પીળાજી ગંજ, ભાજપ ઓફીસ, ડોસભાઈ ધર્મશાળા, જનતાનગર રોડ અને ઋતુરાજ ટીબી રોડ સહિતના વિસ્તારમાંથી રાત્રીના સમયે 33 ગાયો અને 3 આખલા મળી કુલ 36 રખડતા ઢોરો પકડી પાંજરે પુરવામાં આવ્યા હતા. જેમાંથી 4 ગાયોને તેમના પશુપાલકો દ્વારા 20,000 જેટલો દંડ ભરી મુક્ત કરવામાં આવી હતી.
ઢોર પકડવા મુદ્દે પીલાજી ગંજમાં પશુપાલકો, પાલિકાની ટીમ વચ્ચે ઝપાઝપી સર્જાઈ
મહેસાણા રખડતા ઢોર પકડવા પાછળ પાલિકાને અઢળક ખર્ચ થઈ રહ્યો છે. ત્યાં પીલાજી ગંજ પાસે રખડતા ઢોર પકડી પાંજરે પુરવા જતા પાલિકાની ટીમ સાથે કેટલાક પશુપાલકોએ અપશબ્દો બોલી તકરાર સર્જી હતી. પોતાના પશુછોડવવા આવેલ તત્વોએ પાલિકાના કરમીને અપશબ્દો બોલી એજન્સીના માણસો સાથે ઝપાઝપી કરવામાં આવતા માહોલ ઉગ્ર બન્યો હતો. જે બાદ એજન્સીને કર્મચારી દ્વારા તકરાર કરનાર સંજય દેસાઈ અને અન્ય ચાર માણસો વિરુદ્ધ મહેસાણા એ.ડીવીઝન પોલીસ મથકે લેખિત ફ્રિયાદ કરવામાં આવી હતી.


