મતદાર યાદી સુધારણાની કામગીરીનું ફોર્મ નં.૭ આવ્યું વિવાદમાં
ગુજરાતમાં મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ
રાજકોટ, અમદાવાદ, સુરતમાં અરજદારો આવ્યા મેદાને, અનેક મુસ્લિમ મતદારોના નામ રદ કરવા અરજીઓ થઇ હોવાની રાવ : ૧૨.૫૯ લાખ નામ કમી કરવા અને ૬.૫૪ લાખ ઉમેરવા મળી અરજીઓ : જીવતા હોવા છતાં ફોર્મ નં.૭માં મૃત બતાવ્યા, SIRની કામગીરી સામે ઉઠાવ્યાં સવાલ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજયમાં મતદાર યાદી સુધારણાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે રાજકોટ સહિત વિવિધ જિલ્લામાં ફોર્મ નં.૭ સામે સવાલો ઉઠાવ્યા છે અને મુસ્લિમ મતદારોના નામ કમી થવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. લોકો પોતાના આધાર-પૂરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે.
રાજ્યમાં ચાલતી SIRની કામગીરી સામે કોંગ્રેસે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે, ભાજપ ખોટાં ફોર્મ નંબર-7 ભરીને લાખો નાગરિકોનો મતાધિકાર છીનવવા માગે છે. અનેક જીવિત મુસ્લિમ મતદારોના નામ રદ કરવા ફોર્મ-7 ભરાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ લોકો હાથમાં પુરાવા સાથે રસ્તા પર ઉતર્યા છે.
અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ SIRની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન પણ કોંગ્રેસે વોટચોરી થતી હોવાના આક્ષેપ કર્યા હતા. મતદાર સુધારણાની કામગીરી માટે BLOએ ઘરે ઘરે જઈને ડોક્યુમેન્ટની ખરાઇ કરીને વિગતો અપડેટ કરી હતી. જો કે તે બાદ મત રદ કરાવવો હોય તો તેના નજીકના લોકો માટે ફોર્મ નંબર 7 ભરવાની સૂચના આપવામાં આવી હતી. ફોર્મ નંબર 7 ભરીને વાંધા રજૂ કરવામાં આવતા તે વ્યક્તિનું નામ રદ કરવામાં આવતું હોય છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ફોર્મ નંબર 7માં અરજી કરનાર એક વ્યક્તિ જ અનેક લોકોના નામ રદ કરવા માટે વાંધો ઉઠાવતા હોવાનું સામે આવ્યું છે. તેમજ ફોર્મ નંબર 7માં વાંધા રજૂ કરનારે વિગતમાં એપિક નંબર ન લખ્યો હોય તો ક્યાંક મોબાઇલ નંબરની વિગતો ખોટી હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ શહેરના ઝાનાસાહેબની ગળી, રિલીફ રોડ અને મિર્ઝાપુરના મોરકસવાડમાં રહેતા 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા ફોર્મ 7 ભરાયું હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ વિસ્તારોમાં જન્મથી રહેતા 60 વર્ષ કરતા વધુ ઉંમરના 100 કરતા વધુ લોકોના નામ રદ કરવા માટે એક વ્યક્તિએ ફોર્મ ભર્યા હોવાનો સ્થાનિકોએ પુરાવા બતાવી દાવો કર્યો છે.
BLO ખરાઇ કરવા માટે જે લોકોના નામ રદ કરવા માટે ફોર્મ 7 ભરાયા છે તેમના ઘરે પહોંચ્યા હતા. અનેક વ્યક્તિઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં મૃત્યુ થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું. BLO જ્યારે ખરાઇ કરવા ઘરે પહોંચ્યા ત્યારે સ્થાનિકોને ખબર પડી કે કોઈક વ્યક્તિએ ખોટી રીતે નામ રદ કરવા માટે ફોર્મ નંબર 7 ભર્યા છે.
65 વર્ષીય હનીફભાઈ શેખ જન્મથી જ મિર્ઝાપુરમાં રહે છે. ઇલેક્ટ્રિક દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. તેઓ જીવિત હોવા છતાં ફોર્મ નંબર 7માં તેમનું મૃત્યુ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ અંગે હનીફભાઈએ જણાવ્યું હતું કે, ખબર નહીં સરકારના મનમાં શું ચાલી રહ્યું છે? એક તરફ સિટીઝનને ફાયદો કરાવવાની વાત કરવામાં આવે છે અને બીજી તરફ અમારા મત રદ કરવામાં આવી રહ્યા છે.
મતદાર યાદીમાં નામ ઉમેરવા 6,54,594 ફોર્મ 6, 6A મળ્યા
બીજી તરફ, લોકશાહીના પર્વમાં જોડાવા માટે યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. મતદાર યાદીમાં નવા નામ ઉમેરવા માટે કુલ 6,54,594 ફોર્મ-6 અને ફોર્મ-૬એ મળ્યા છે. આ ઉપરાંત, મતદાર કાર્ડમાં રહેલી વિગતોમાં સુધારા-વધારા કરવા અથવા એક જ વિધાનસભા ક્ષેત્રમાં સ્થળાંતર માટે કુલ 5,04,835 ફોર્મ-8 ચૂંટણી પંચને મળ્યા છે. તેમજ ૧૨.૫૯ લાખ નામ કમી કરવા અરજી મળી છે.
73 લાખ મતદારોની બાદબાકીએ ચૂંટણીનું ગણિત ફેરવ્યું
ગુજરાતમાં 2027મા યોજનારી ચૂંટણીમાં શાસક પક્ષથી માંડીને વિપક્ષના રાજકીય ગણિતને ચૂંટણીપંચે બગાડી નાખ્યું છે. રાજ્યમાં કુલ 73 લાખ મતદારોનું નામ કમી થઈ ગયું છે. તેના કારણે દરેક રાજકીય પક્ષ વિમાસણમાં પડી ગયો છે. તેઓએ પહેલા તો તેમના મતદાર વર્ગ સુનિશ્ચિત કરવાથી લઈને આખેઆખા રાજકીય ચોકઠા નવેસરથી ગોઠવવાની ફરજ પડી છે.
શાસક પક્ષ સહિત દરેક રાજકીય પક્ષ હાલમાં તો તેમના કયા-કયા મતવિસ્તારમાં ક્યાં ગાબડું પડ્યું તેનો અંદાજ કાઢવામાં લાગેલો છે. આમ ચૂંટણીપંચની કાર્યવાહીના પગલે દરેક રાજકીય પક્ષ તે સ્વીકારવા લાગ્યો છે કે તેમના મતદારોમાં ક્યાંકને ક્યાંક તો ગાબડું પડ્યુ છે. તેથી જ જે મતદારોના નામો રદ થયા છે તેના નામો ફરીથી તેમા ગોઠવાય તેના માટે તેઓએ કવાયત આદરી છે. કેમ્પ પણ યોજવા માંડ્યા છે. તેમા પણ ખાસ કરીને જેટલા પણ મતદારોને નામ પંચની યાદીમાં આવ્યા નથી તેની મદદ કરવા માટે રાજકીય પક્ષના કાર્યકરો દોડવા લાગ્યા છે, જે સામાન્ય રીતે લોકો મદદ માંગે ત્યારે ફોન પણ ઉઠાવતા નથી અને મદદે જવાનું ટાળે છે. પણ જો તમારું નામ મતદારયાદીમા નથી તો રાજકીય પક્ષના કાર્યકરને ફોન કરો તો દોડીને આવશે અને તમારા બીએલઓનો તે ઉધડો લઈ નાખશે. તમારું રદ થયેલું નામ કોઈપણ ભોગે મતદાર યાદીમાં સામેલ થાય અને અંતિમ યાદીમાં આવે તેના માટે દોડાદોડી પણ કરવા લાગ્યા છે. તે જોઈને કોઈને પણ થઈ આવે કે આવી દોડાદોડી જો તેઓ લોકોના કામ માટે કરતાં હોય તો અડધા પ્રશ્નો ઉકેલાઈ જાય.


