- સાઉદી ઇઝરાયલ સાથે સામાન્યકરણના કરાર પર હસ્તાક્ષર કરે MBSની જાનને ખતરો
- ઈઝરાયલ સાથેનો કરાર સાઉદી અરબના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ
- ઈઝરાયલ સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા બાદ ઈજિપ્તના પૂર્વ નેતા થઈ હતી હત્યા
સાઉદી અરબના વાસ્તવિક શાસક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS)ની જાન જોખમમાં છે. MBSએ અમેરિકી કોંગ્રેસના સાંસદોને જણાવ્યું કે, જો સાઉદી ઇઝરાયલ સાથે સામાન્યકરણના કરાર પર હસ્તાક્ષર કરે છે, જેમાં ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપવાની વાતનો સમાવેશ થતો નથી, તો તેની હત્યા થઈ શકે છે. અમેરિકા સ્થિત ન્યૂઝ એજન્સીના રિપોર્ટમાં MBS વિશે આ દાવો કરવામાં આવ્યો છે.
ફિલિસ્તીની રાષ્ટ્ર માટે સ્પષ્ટ રસ્તો હોવો જોઈએ
અમેરિકાના ન્યૂઝ એજન્સીએ અહેવાલમાં ભૂતપૂર્વ અમેરિકી અધિકારીના હવાલે લખ્યું કે, સાઉદી ક્રાઉન પ્રિન્સે અમેરિકી કોંગ્રેસ તરફથી તેમના જીવના જોખમ અંગે ચર્ચા કરતી વખતે માંગ કરી હતી કે કરારમાં ભાવિ ફિલિસ્તીની રાષ્ટ્ર માટે સ્પષ્ટ રસ્તો હોવો જોઈએ.
‘મારી હાલત ઈજિપ્તના નેતા જેવી ન થવી જોઈએ…’
મીડિયા અહેવાલમાં વધુમાં કહ્યું કે, અમેરિકી સાંસદો સાથેની બેઠકમાં MBSએ ઈજિપ્તના પૂર્વ નેતા અનવર સાદતનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, તેમની હાલત પણ તેમના જેવી થઈ શકે છે. ઈઝરાયલ સાથે શાંતિ સંધિ પર હસ્તાક્ષર કર્યા બાદ 1981માં ઉગ્રવાદીઓ દ્વારા અનવર સાદતની હત્યા કરવામાં આવી હતી.
ગાઝા યુદ્ધને લઈ ઈઝરાયલ-સાઉદી સામાન્યીકરણ કરારની શક્યતા ઓછી
આ મામલાથી વાકેફ એક સૂત્રએ જણાવ્યું કે, MBSએ કરારમાં ફિલિસ્તીની રાષ્ટ્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સાઉદીના લોકો તેમની ખૂબ જ કાળજી રાખે છે અને સમગ્ર મધ્ય પૂર્વ આ અંગે ખૂબ ગંભીર છે. અને જો હું આ મુદ્દા પર ધ્યાન નહીં આપું તો ઇસ્લામના પવિત્ર સ્થળોના રક્ષક તરીકેનો મારો કાર્યકાળ સુરક્ષિત રહેશે નહીં. તે સ્પષ્ટ નથી કે MBSએ પોતાની હત્યા અંગે ચિંતા કેટલા સમય પહેલા વ્યક્ત કરી હતી. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે, ગાઝા યુદ્ધને જોતા ઈઝરાયલ-સાઉદી સામાન્યીકરણ કરારની શક્યતા ઓછી થઈ ગઈ છે.
MBSને હત્યાનો ખતરો હોવા છતાં ઇઝરાયલ સાથે કરાર કરવા માટે પ્રતિબદ્ધ
હત્યાનો ખતરો હોવા છતાં પણ MBS કથિત રીતે અમેરિકા અને ઇઝરાયલ સાથે કરારો કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમનું માનવું છે કે, ઈઝરાયલ સાથેનો કરાર સાઉદી અરબના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તેના બદલામાં અમેરિકા સાઉદી અરબને સુરક્ષાની ખાતરી આપશે અને હથિયારોની સતત સપ્લાઈ કરશે. આ ઉપરાંત અમેરિકા સાઉદીને નાગરિક પરમાણુ પ્રોગ્રામ શરૂ કરવામાં પણ મદદ કરી શકે છે.
ઈઝરાયલના વડાપ્રધાન ફિલિસ્તીની રાષ્ટ્રની માંગને સામેલ કરવાના વિરોધમાં
પરંતુ અમેરિકા સમર્થિત ઈઝરાયલ-સાઉદી ડીલમાં ફિલિસ્તીની રાષ્ટ્રની માંગને લઈને અવરોધનો સામનો કરી રહી છે. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ ફિલિસ્તીની રાષ્ટ્રની માંગને કરારમાં સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે.
1967ની સરહદોના આધારે સ્વતંત્ર ફિલિસ્તીની રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈએ
ગાજામાં ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ ઈઝરાયલના હુમલા વચ્ચે આ વર્ષની શરૂઆતમાં સાઉદી અરેબે અમેરિકાને સ્પષ્ટપણે કહ્યું હતું કે, જ્યાં સુધી ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપવામાં નહીં આવે ત્યાં સુધી તે ઈઝરાયલ સાથે સંબંધ સ્થાપિત કરશે નહીં. સાઉદી અરબના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, 1967ની સરહદોના આધારે સ્વતંત્ર ફિલિસ્તીની રાષ્ટ્રની સ્થાપના કરવી જોઈએ. જેની રાજધાની જેરુસલેમને બનાવવામાં આવશે. તેમજ ગાઝા પર ઈઝરાયલના હુમલા બંધ થવા જોઈએ.


