પહેલા ચોમાસે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ટર્મિનલની કલાત્મક છતે કરી કળા : જાનહાની ટળી
ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હવે પુલ તૂટવા, ગેમઝોનના અકસ્માત થવા, આગકાંડ થવા, રસ્તાઓમાં ગાબડા થવા એ બાબત સમાચાર રહ્યા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ રાજકોટના હિરાસર એરપોર્ટના ટર્મિનલના કામમાં પણ નામ બડે ઔર દર્શન ખોટે જેવું સાર્થક થયું છે. હિરાસર એરપોર્ટની ટર્મિનલની કલાત્મક છત પહેલા ચોમાસે જ આજે જમીનદોસ્ત થઇ ગઇ હતી. સદનસીબે આ છત ધરાશાય થઇ ત્યારે કોઇ વ્યકિતઓની હાજરી ન હોવાથી જાનહાની કે ઇજાઓ ટળી હતી.
આ ઘટનાને નજરે નિહાળનારા ટેકસી ડ્રાઇવરો અને એકલ દોકલ વ્યકિતઓના જણાવ્યા મુજબ છત પડી તે ખૂબ જ વજનદાર છે જો કોઇ માણસ એ સમયે છતની નીચે હોત તો મોટી જાનહાની કે ઇજાઓની શકયતા હતા. હિરાસર એરપોર્ટ બન્યું ત્યારથી ટેન્ટ સીટી જેવી ટર્મિનલ અંગે તથા એરપોર્ટની આંતરીક સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. માત્ર પ્રસિધ્ધ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાણીતા રાજકોટના હિરાસર એરપોર્ટથી હજુ સુધી વિદેશની ફલાઇટોની પણ અવર-જવર થઇ નથી. સામાન્ય વરસાદમાં તકલાદી કામ અને ભ્રષ્ટાચારના દર્શન થયા છે.


