નાગપંચમી હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે, જે શ્રાવણ માસના વદ પક્ષની પાંચમના દિવસે ઊજવવામાં આવે છે. આ દિવસે નાગદેવતાઓની પૂજા કરવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતા સ્વરૂપે પૂજવામાં આવે છે અને તેમને ભગવાન શિવના ગળાનો હાર તથા ભગવાન વિષ્ણુની શય્યા માનવામાં આવે છે. આ તહેવાર વર્ષાઋતુમાં આવે છે. જ્યારે વરસાદને કારણે સાપ તેમના દરમાંથી બહાર આવે છે, ત્યારે તેમને કોઈ નુકસાન ન પહોંચે અને તેઓ ખેડૂતોના પાકને ઉંદરોથી બચાવવામાં મદદરૂપ થાય તે માટે તેમની પૂજા કરવાની પરંપરા છે.
નાગપંચમીનું પૌરાણિક મહત્ત્વ
નાગપંચમી સાથે ઘણી પૌરાણિક કથાઓ જોડાયેલી છે, જે તેના મહત્ત્વને દર્શાવે છે :
શ્રી કૃષ્ણ અને કાલિયા નાગ : એક પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ બાળપણમાં યમુના નદીમાં રહેલા ભયાનક કાલિયા નાગને નાથ્યો હતો. કાલિયા નાગના વિષથી યમુનાનું પાણી ઝેરી બની ગયું હતું, જેના કારણે ગોવાળો અને પશુઓ મૃત્યુ પામી રહ્યાં હતાં. શ્રીકૃષ્ણએ કાલિયા નાગને હરાવીને તેને પવિત્ર કર્યો અને તેને વચન આપ્યું કે જે કોઈ નાગપંચમીના દિવસે નાગોની પૂજા કરશે, તેને કાલિયા નાગ ક્યારેય નુકસાન નહીં પહોંચાડે.
સર્પ સત્રની કથા : મહાભારત અનુસાર પાંડવોના વંશજ રાજા જન્મેજયે પોતાના પિતા પરીક્ષિતના મૃત્યુનો બદલો લેવા માટે એક વિશાળ સર્પ સત્ર (યજ્ઞ) શરૂ કર્યો હતો. આ યજ્ઞમાં હજારો સાપ અગ્નિમાં ભસ્મ થઈ રહ્યા હતા. ત્યારે ઋષિ આસ્તિક મુનિએ આ યજ્ઞને અટકાવીને નાગ વંશનું રક્ષણ કર્યું હતું. આ દિવસ શ્રાવણ વદ પંચમીનો હતો, તેથી આ દિવસથી નાગપંચમી મનાવવામાં આવે છે.
સમુદ્ર મંથન : દેવો અને દાનવો દ્વારા કરવામાં આવેલા સમુદ્રમંથન સમયે મંદરાચલ પર્વતને મંથનદંડ અને વાસુકી નાગને નેતરું બનાવવામાં આવ્યા હતા. આ મંથન દરમિયાન નીકળેલું હળાહળ વિષ ભગવાન શિવે પીધું હતું, જેનાથી સૃષ્ટિનો વિનાશ ટળ્યો હતો. આ કારણોસર પણ નાગદેવતાઓને પૂજવામાં આવે છે.
ભગવાન શિવ અને નાગ : ભગવાન શિવ પોતાના ગળામાં વાસુકી નાગને ધારણ કરે છે, જે તેમનું એક અભિન્ન અંગ છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુ શેષનાગ પર બિરાજમાન છે. આ બધી કથાઓ નાગદેવતાઓનાં મહત્ત્વ અને દેવી-દેવતાઓ સાથેના તેમના ગાઢ સંબંધને દર્શાવે છે.
નાગપંચમીની પૂજાવિધિ
નાગપંચમીના દિવસે નાગદેવતાઓની પૂજા ઘરોમાં અને મંદિરોમાં શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે.
વહેલા ઊઠીને સ્નાન: નાગપંચમીના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું જોઈએ અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.
પૂજાની તૈયારી : પૂજા માટે નાગદેવતાની પ્રતિમા, ચિત્ર અથવા માટીના સાપ બનાવીને તૈયાર કરો. મંદિરમાં જઈને પણ નાગદેવતાનાં દર્શન કરી પૂજા પણ કરી શકાય છે.
પૂજાસામગ્રી : દૂધ, ઘી, ખાંડ, ચોખા, જળ, ફૂલ (ખાસ કરીને નાગચંપા કે સફેદ ફૂલ), દીવો, ધૂપ, હળદર, કંકુ, ચંદન, મીઠાઈ (ખાસ કરીને લાડુ કે ખીર), અને ધાન (શેકેલા ચણા કે ઘઉં) જેવી સામગ્રી તૈયાર કરો.
સ્થાનશુદ્ધિ : પૂજા સ્થળને ગંગાજળથી શુદ્ધ કરો.
પૂજન
સૌ પ્રથમ નાગદેવતાનું આહ્વાન કરો.
પછી તેમને દૂધ, જળ અને અન્ય દ્રવ્યોથી
સ્નાન કરાવો.
હળદર, કંકુ, ચંદનથી તિલક કરો.
ફૂલ, ધૂપ, દીવો અર્પણ કરો.
મીઠાઈ અને ધાનનો ભોગ ધરાવો.
નાગદેવતાના મંત્રોનો જાપ કરો. જેમ કે, `ૐ નાગાય નમઃ’ અથવા `ૐ ભુજંગેશાય નમઃ’.
નાગપંચમીની કથા વાંચો કે સાંભળો.
આરતી કરો અને પ્રાર્થના કરો કે નાગદેવતા તમારા પરિવારનું રક્ષણ કરે.
દરવાજા પર ચિત્ર : કેટલાક લોકો ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ દીવાલ પર ગોબર (છાણ) કે હળદર-ચંદનથી નાગદેવતાનું ચિત્ર બનાવે છે. આનાથી ઘરમાં નાગનો પ્રવેશ થતો નથી અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે તેવી માન્યતા છે.
ઝાડ નીચે દૂધ મૂકવું : કેટલાક લોકો આ દિવસે જ્યાં સાપનું નિવાસસ્થાન હોય તેવી જગ્યાએ (જેમ કે, વૃક્ષના થડ પાસે કે દરમાં) દૂધ મૂકે છે, પરંતુ ધ્યાનમાં રાખવું કે દૂધ ગાયનું હોય.
નાગપંચમીનું જ્યોતિષીય મહત્ત્વ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાગપંચમીનો દિવસ કાલસર્પ દોષને દૂર કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે, તેમને જીવનમાં અનેક અવરોધો અને સંઘર્ષનો સામનો કરવો પડે છે. આ દિવસે વિધિવત્ પૂજા કરવાથી આ દોષની અસરો ઓછી થાય છે.
રાહુ અને કેતુ ગ્રહોને સર્પનું શીર્ષ અને પૂંછડી માનવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગદેવતાઓની પૂજા કરવાથી રાહુ અને કેતુના અશુભ પ્રભાવો પણ શાંત થાય છે.
આ દિવસે ભગવાન શિવની પૂજા પણ કરવી જોઈએ, કારણ કે શિવજી નાગોના દેવતા છે અને તેમને પ્રસન્ન કરવાથી નાગદોષો દૂર થાય છે.