ભારત દેવોની ભૂમિ તરીકે વિશ્વવિખ્યાત છે. ભારતમાં ઘણાં દેવી-દેવતાઓએ જન્મ લઈને આ ધરતીને પાવન અને પવિત્ર કરી છે. ભારતમાં એવી કેટલીક જગ્યા છે જે ખૂબ જ પવિત્ર ગણાય છે. આવી જ એક જગ્યા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉની પાસે આવેલા સીતાપુરમાં ગોમતી નદીના ઘાટ પર આવેલી છે જેને નૈમિષારણ્ય તરીકે ઓળખવામાં આવે છે.
નૈમિષારણ્ય કેમ પવિત્ર ગણાય છે?
નૈમિષારણ્ય સ્થળ પર મહાપુરાણ લખવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં, પરંતુ અહીં પહેલી વાર સત્યનારાયણની કથા કરવામાં આવી હતી. આ પવિત્ર ધામનું વર્ણન પુરાણોમાં પણ જોવા મળે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે જો તમે નૈમિષારણ્ય ધામની યાત્રા નથી કરતા તો તમારી ચાર ધામની યાત્રા અધૂરી માનવામાં આવે છે.
નૈમિષારણ્ય અને ઋષિઓ
હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે નૈમિષારણ્ય ખૂબ જ પવિત્ર ધામ તરીકે ઓળખાય છે. વિષ્ણુપુરાણમાં પણ આ જગ્યાને ખૂબ જ પવિત્ર કહેવામાં આવી છે. જ્યારે નૈમિષારણ્ય માર્કંડેય પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ 88,000 હજાર ઋષિઓના તપના સ્થળ તરીકે કરવામાં આવ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં 88,000 હજાર ઋષિઓને વેદવ્યાસના શિષ્ય સૂતે મહાભારત તથા પુરાણોની કથા સંભળાવી હતી. એક ધાર્મિક માન્યતા પ્રમાણે ચાર યુગમાં ચાર તીર્થ હતાં. જેમાં સતયુગમાં નૈમિષારણ્ય, ત્રેતા યુગમાં પુષ્કર, દ્વાપર યુગમાં કુરુક્ષેત્ર અને કળિયુગમાં ગંગા હતી. તેથી નૈમિષારણ્યની યાત્રા કરવી એટલે સતયુગના સમયમાં ફરીથી યાત્રા કરવા સમાન છે.
કળિયુગ અને નૈમિષારણ્ય
એક ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે કળિયુગની શરૂઆત થવાની હતી ત્યારે સાધુ-સંતોએ ભગવાન બ્રહ્માજીને મદદ કરવા કહ્યું હતું. સાધુ-સંતોની વિનંતી સાંભળીને ભગવાન બ્રહ્માજીએ એક ચક્ર નિકાળીને પૃથ્વી તરફ ફેંક્યું હતું અને સાધુ-સંતોને જણાવ્યું હતું કે, આ ચક્ર જ્યાં રોકાશે તે જગ્યા કળિયુગના પ્રભાવથી મુક્ત રહેશે. અન્ય એક માન્યતા એવી પણ છે કે, મહાભારત કાળમાં યુધિષ્ઠિર અને અર્જુન પણ અહીં આવ્યા હતા.
નૈમિષારણ્ય વિશે ધાર્મિક માન્યતા
એક ધાર્મિક માન્યતા પ્રમાણે ભારતનાં તમામ તીર્થસ્થાનોમાં આ સ્થાન સૌથી પવિત્ર ગણાય છે. જો કોઈ શ્રદ્ધાળુ, સાધુ કે સંત અહીં સતત 12 વર્ષ સુધી તપસ્યા કરે છે તો તે બ્રહ્મલોકમાં સ્થાન પામે છે. અહીંની યાત્રા સૌથી પવિત્ર યાત્રાઓમાંની એક યાત્રા ગણાય છે.
નૈમિષારણ્યમાં શ્રી લલિતા દેવી મંદિર
શ્રી લલિતા દેવી મંદિરને શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે અહીં માતા દેવી સતીનું હૃદય પડ્યું હતું. શ્રી લલિતા દેવી નૈમિષારણ્યની અધિષ્ઠાત્રી દેવી છે તેથી આ દેવીનાં દર્શન કર્યા વગર તમારી ધાર્મિક યાત્રા પૂરી થયેલી ગણાતી નથી. ધાર્મિક કથાઓમાં પણ શ્રી લલિતા દેવીનો ઉલ્લેખ છે. એક ધાર્મિક કથા પ્રમાણે જ્યારે ઋષિ ભગવાન વિષ્ણુના ચક્રની સાથે આવ્યા ત્યારે ચક્ર પૃથ્વીની અંદર જતું રહ્યું હતું અને ત્યાંથી પુષ્કળ માત્રામાં પાણી નિકળતું હતું. તેથી આ પુષ્કળ પાણીનું પાન શ્રી લલિતા દેવીએ કર્યું હતું. આમ કરવાથી નૈમિષારણ્યના ઋષિઓ શાંતિથી તપ કરી શક્યા હતા.
વ્યાસ ગાદી
નૈમિષારણ્યમાં વ્યાસ ગાદીનું પણ અનેરું ધાર્મિક માહાત્મ્ય છે. એવી પ્રચલિત માન્યતા છે કે એક વિશાળ વડની નીચે બેસીને વેદ વ્યાસે વેદ, પુરાણ અને અન્ય ધાર્મિક શાસ્ત્રોનું વાંચન કર્યું હતું. અહીં જૂનાં વૃક્ષોમાં જે ખૂબ જ જૂનું છે આ વૃક્ષ અંદાજીત પાંચ હજાર વર્ષ કરતાં પણ વધુ જૂનું છે. આ વૃક્ષ મહાભારતકાળનું છે જ્યારે વેદ વ્યાસ અહીં રહેતા હતા. અહીંયાં એક વૃક્ષમાં જાણે ગાદી જ હોય એવી જગ્યા છે જેથી આ જગ્યા વ્યાસ ગાદી તરીકે ઓળખાય છે. અહીં વેદ વ્યાસે અન્ય ધાર્મિક ગ્રંથોની પણ રચના કરી હતી. અહીં અન્ય કેટલાંક મંદિરો પણ આવેલાં છે જે ખૂબ જ જૂનાં-પુરાણાં માનવામાં આવે છે.
મનુ-સતરૂપા મંદિર
મનુ અને સતરૂપા માનવજાતિનું પ્રથમ જોડું કહેવાય છે. નૈમિષારણ્ય જ પ્રથમ એવી જગ્યા છે જ્યાં તેમણે 23,000 વર્ષ સુધી તપસ્યા કરી અને આ તપસ્યા કર્યા બાદ ભગવાન બ્રહ્માજીએ પોતાના સંતાનના રૂપમાં તેમને આશીર્વાદ
આપ્યા હતા.
પાંડવ કિલ્લો અને હનુમાનગઢી
ઉત્તર પ્રદેશના આ વિસ્તારમાં હનુમાનગઢીને હનુમાન મંદિર કહેવામાં આવે છે. અયોધ્યામાં પણ તમામ હનુમાન મંદિર હનુમાનગઢી છે. અહીં હનુમાનજીની એક વિશાળ મૂર્તિ છે. તેને ધ્યાનથી જોતાં તેમના વિશાળ ખભા પર ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ બિરાજમાન દેખાય છે.
દધીચિ કુંડ
અહીં એક પવિત્ર કુંડ પણ આવેલો છે જે મંદિરની પાસે જોવા મળે છે. આ કુંડ ખૂબ જ મોટો છે અને તેની આસપાસ ઘણાં મંદિરો પણ આવેલાં છે. અહીં આવેલું એક મંદિર ઋષિ દધીચિને સમર્પિત છે. એક પ્રચલિત માન્યતા પ્રમાણે આ કુંડમાં તમામ પવિત્ર નદીઓનું પાણી ભળેલું છે એવું કહેવામાં છે. આ પવિત્ર કુંડમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરીને ધન્યતા અનુભવે છે.
માતા કાળકા મંદિર
નૈમિષારણ્યમાં કાલીપીઠ નામનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે. આ મંદિર માતા કાળકાને સમર્પિત છે. અહીં માતા કાળકાની અલૌકિક અને દિવ્ય મૂર્તિ છે જેનાં દર્શનમાત્રથી શ્રદ્ધાળુઓ ધન્ય થઇ જાય છે. વાર-તહેવારે આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ ખૂબ જ જોવા મળે છે.
નૈમિષારણ્ય કેવી રીતે પહોંચશો?
જો તમે હવાઈમાર્ગે જવા માંગતા હોવ તો નૈમિષારણ્યથી સૌથી નજીકનું એરપોર્ટ લખનઉનું અમૌસી એરપોર્ટ છે. અહીં આવ્યા બાદ તમે પ્રાઇવેટ વાહનો દ્વારા પણ નૈમિષારણ્ય પહોંચી શકો છો. જો તમે સડકમાર્ગે અહીં આવવા માંગતા હોવ તો તમને લખનઉ, સીતાપુર અને હરદોઈથી સરળતાથી વાહનો મળી શકે છે. નૈમિષારણ્ય રેલવે સ્ટેશન સીતાપુરથી અંદાજીત 25 કિમી. દૂર છે. જે બાલામઉ જંક્શન અને જિલ્લા હરદોઈથી ટ્રેન દ્વારા પણ જોડાયેલું છે.