ફાયર ફાઇટરની પાંચ ટીમે આગ પર કાબુ મેળવ્યો : સદભાગ્યે જાનહાની ટળી
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરના નાના મવા રોડ પર આવેલ મારવાડી બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જે આગની જ્વાળા લગભગ ત્રણથી ચાર માળ સુધી જોવા મળી હતી. જોકે, આગ લાગવાની જાણ થતા તાત્કાલિક ફાયર વિભાગની અલગ-અલગ 5 ફાયર ફાઈટર ટીમ સ્થળ પર પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
રાજકોટ શહેરના નાના મૌવા રોડ પર આવેલી મારવાડી બ્રોકિંગ હાઉસની બિલ્ડિંગમાં મોડી રાત્રે 10:15 વાગ્યે આગ ભભૂકી હતી. પ્રથમ માળથી ચોથા માળ સુધીની આગ દેખાતા લોકોમાં ડર વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ કરાતા મવડી, કાલાવડ રોડ સહિતનો સ્ટાફ આવ્યો હતો અને પાંચમાં માળ સુધી પાણીનો મારો ચલાવી મિનિટોમાં આગ બુઝાવી દીધી હતી. ઘટનાને પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની અને સી.કે. નંદાણી તેમજ સિટી એન્જિનિયર કે.કે. મહેતા સ્થળ પર પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈલેક્ટ્રિક ડક્ટમાં વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી અને તે વાયરિંગ ઉપર સુધી જતુ હોવાથી પાંચમાં માળ સુધી આગ લાગી હતી. જો કે માત્ર ઈલેક્ટ્રિક ડક્ટમાં જ આગ હતી. અંદરના ભાગમાં ક્યાંય ફર્નિચર કે પછી બીજે આગ લાગી ન હતી. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. આગને કારણે બિલ્ડિંગના કાચ તૂટ્યા છે અને જોખમી બન્યા છે તેથી હાલ બિલ્ડિંગની અંદર જવાની મનાઈ ફરમાવાઈ છે.


