જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા નારાયણ કન્યા પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શાળાની આશરે ૨૨૭ દીકરીઓને સ્ત્રી અને બાળકોને લગતા વિવિધ કાયદાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં દીકરીઓને સમજાવવામાં આવ્યું હતું કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો મુખ્ય હેતુ “ન્યાય દરેક માટે” છે. ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અને જરૂરિયાતમંદ લોકો અને વડીલોને કાનૂની સલાહ અને કાનૂની સહાય વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોકોને ન્યાય સરળતાથી મળી રહે તે માટે વિવિધ યોજનાઓ અને જાગૃતિ કાર્યક્રમો સતત યોજવામાં આવે છે.
મહિલા દિવસના અવસરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાથે PLV તરીકે ફરજ બજાવતા ભાવનાબેન કક્કડ દ્વારા દીકરીઓને કાનૂની જાગૃતિ આપવામાં આવી હતી. દીકરીઓને તેમના અધિકારો, સુરક્ષા તેમજ જીવનમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી. સાથે જ દીકરી હોવાનો ગૌરવ અનુભવીને સમાજમાં સુરક્ષિત અને સશક્ત રીતે જીવન જીવવાની સમજ પણ આપવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અનિલભાઈ તેમજ શાળાના તમામ શિક્ષકવર્ગનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. કાર્યક્રમના અંતે તેમના સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દીકરીઓને કાનૂની સહાય અને સલાહ માટે ઉપલબ્ધ ૧૫૧૦૦ હેલ્પલાઇન વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેથી કોઈપણ વ્યક્તિ જરૂર પડ્યે વિના મૂલ્યે કાનૂની મદદ મેળવી શકે.


