- પુણે પોલીસની કાર્યવાહીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ
- મેફેડ્રન કેસમાં પૂણે પોલીસ કરી 8 લોકોની ધરપકડ
- લંડનથી કુરિયર મારફતે ચાલતો હતો નશાનો ગોરખધંધો
મેફેડ્રોનને લઈને પુણે પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. આ દરમિયાન પોલીસે આ કેસને લગતા મોટા ખુલાસા કર્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, રેડી ટુ ઈટ ફૂડના પેકેટ દ્વારા મેફેડ્રોનની દાણચોરી કરવામાં આવી રહી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે પ્રતિબંધિત ડ્રગ મેફેડ્રોનની દાણચોરી દિલ્હીની એક કુરિયર ફર્મ દ્વારા કરવામાં આવી રહી હતી. અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પુણે અને દિલ્હીમાં અનેક સ્થળોએથી લગભગ 1700 કિલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે.
મેફેડ્રન કેસમાં અત્યારસુધી 8 લોકોની ધરપકડ
પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે તસ્કરો દ્વારા નવી ઢબે અપરાધ આચરવામાં આવી રહ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વધુ તપાસ માટે તેમની પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે તપાસ દરમિયાન પુણે પોલીસની ટીમને મેફેડ્રન મળી આવ્યું હતું. શહેરના ઘણા વિસ્તારોમાંથી આ રીતે કાર્યવાહી કરવામાં આવી, જ્યાંથી પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલ પ્રતિબંધિત દવાઓની કિંમત 3,000 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. તપાસમાં દિલ્હી સ્થિત અનેક કુરિયર કંપનીઓની સંડોવણી બહાર આવી છે.
લંડનથી કુરિયર મારફતે ચાલતો હતો નશાનો ખેલ
કેસની જાણકરી આપતા અમિતેશ કુમારે જણાવ્યું કે અમને જાણવા મળ્યું છે કે રેડી ટુ ઈટ ફૂડ પેકેટમાં છુપાવીને પ્રતિબંધિત દવા દિલ્હી સ્થિત કુરિયર કંપની દ્વારા લંડન મોકલવામાં આવી હતી. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે કુરિયર કંપનીના એક શખ્સની અટકાયત કરી છે. આ દવાનો સમગ્ર જથ્થો કુરકુંભ MIDC સ્થિત યુનિટમાં બનાવવામાં આવી રહ્યો હતો.
આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ: પોલીસ
દિલ્હી અને પુણે ઓપરેશન ઉપરાંત મહારાષ્ટ્રના સાંગલીમાં પણ કેટલાક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. અમિતેશ કુમારે જણાવ્યું હતું કે પોલીસે રૂ. 2 કરોડની કિંમતનો મેફેડ્રોન જપ્ત કરીને તપાસ શરૂ કરી હતી, જે હવે લગભગ 1,700 કિલો સુધી પહોંચી ગઈ છે. તેણે કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે.


