- વિશ્વના 50થી વધુ દેશો ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે
- પાકિસ્તાને જણાવ્યું કે ભારત સહિત પાડોશી દેશો સહયોગપૂર્ણ સંબંધો ઈચ્છે છે
- કલમ-370 નાબૂદ થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો તંગ
વિશ્વના 50 કરતાં વધુ દેશોએ રેકોર્ડ ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને શુભકામનાઓ પાઠવી છે, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાને અત્યાર સુધી નરેન્દ્ર મોદીને જીત બદલ અભિનંદન નથી પાઠવ્યા. પાકિસ્તાને જણાવ્યું કે તે ભારત સહિત પોતાના તમામ પાડોશી દેશો સાથે સહયોગપૂર્વ સંબંધ અને વાતચીતના માધ્યમથી વિવાદોનું સમાધાન ઈચ્છે છે. નરેન્દ્ર મોદી રેકોર્ડ ત્રીજીવાર વડાપ્રધાન પદ માટે ચૂંટાયા છે ત્યારે આ પાકિસ્તાન તરફથી નિવેદન સામે આવ્યું છે.
પાડોશી દેશ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ભારત તરફથી આવતી મુશ્કેલીઓ અને નિવેદનો છતાં પાકિસ્તાન જવાબદારીપૂર્વક કામ કરી રહ્યું છે. તેમને જણાવ્યું કે પાકિસ્તાન હંમેશા ભારત સહિત પોતાના પાડોશીઓની સાથે સહયોગપૂર્વકના સંબંધો ઈચ્છે છે. અમે જમ્મુ કાશ્મીર જેવા મુખ્ય વિવાદ સહિત તમામ પેન્ડિંગ મુદ્દાઓને ઉકેલવા સતત રચનાત્મક વાતચીત અને ભાગીદાર પૂર્વકની હિમાયત કરીએ છીએ.
ભારત-પાકિસ્તાનના સંબંધો તંગ
ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ-370ની જોગવાઈઓને રદ કર્યા પછી પાકિસ્તાને ભારત સાથેના તેના સંબંધોને ઘટાડી દીધા છે. પાકિસ્તાનનું માનવું છે કે આ નિર્ણયથી પડોશીઓ વચ્ચે વાતચીતનું વાતાવરણ ડહોળાઈ ગયું છે. ભારતે સતત કહ્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે પરંતુ ભારપૂર્વક જણાવ્યું છે કે આવા સંબંધો માટે આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવાની જવાબદારી ઈસ્લામાબાદની છે. સરકારી અધિકારીએ વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન શાંતિ જાળવવામાં માને છે. અમે આશા રાખીએ છીએ કે ભારત બંને દેશોના લોકોના પરસ્પર લાભ માટે શાંતિ જાળવવા અને વાતચીત આગળ ધપાવવા પગલાં લેશે અને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોના નિરાકરણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.


