- નરેન્દ્ર મોદીની ફરીથી ચૂંટણી જીતવી એ સારી તક: ટ્રુડો
- ટ્રુડોએ કહ્યું ગંભીર મુદ્દાઓને ઉકેલવા માટે મોટી તક
- વૈશ્વિક સમુદાય તરીકે કામ કરવાની જરૂર: જસ્ટિન ટ્રુડો
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીની ફરીથી ચૂંટણી જીતવી એ “ઘણા ગંભીર” અને “મોટા” મુદ્દાઓ પર “વાતચીત” કરવાની તક છે. ટ્રુડોએ એક મીડિયા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “હવે તેઓ ચૂંટણી જીતી ગયા છે, મને લાગે છે કે અમારી માટે વાતચીત કરવાની મોટી તક છે, રાષ્ટ્રીય સુરક્ષા અને કેનેડિયનોની સલામતી સંબંધિત કેટલાક અત્યંત ગંભીર મુદ્દાઓ સામેલ છે.”
નેતાઓ સાથે સીધો સંપર્ક કરવાની તક: ટ્રુડો
હાલમાં જ ટ્રુડો અને મોદી G7 સમિટ દરમિયાન મળ્યા હતા, જ્યાં ભારતને આઉટરીચ પાર્ટનર તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે ટ્રુડોએ કહ્યું હતું કે, “મને લાગે છે કે સમિટની સૌથી સારી બાબત એ છે કે તમને નેતાઓ સાથે સીધો સંપર્ક કરવાની તક મળે છે.” ટ્રુડોએ વધુમાં કહ્યું કે, “ભારત અને કેનેડાના લોકો વચ્ચે મોટા સ્તર પર સંબંધો છે, મહત્ત્વપૂર્ણ આર્થિક સંબંધો છે, લોકશાહી તરીકે, ઘણા મોટા મુદ્દાઓ પર સમાન મંતવ્યો છે જેને આપણે વૈશ્વિક સમુદાય તરીકે કામ કરવાની જરૂર છે.” ટ્રુડોએ ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે હાઉસ ઓફ કોમન્સમાં ભારત પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા પછી મોદી અને કેનેડિયન પીએમ વચ્ચેની આ પહેલી મુલાકાત હતી. આ મહિનાની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ કેનેડાના પીએમઓએ અભિનંદન પાઠવ્યા હતા.
કેનેડામાં ભારત પ્રત્યે લોકોનો નકારાત્મક અભિપ્રાય
એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા એક વર્ષમાં કેનેડામાં ભારત પ્રત્યે લોકોનો અભિપ્રાય નકારાત્મક બન્યો છે. તેનું કારણ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અને વિદેશી હસ્તક્ષેપના આરોપોને જવાબદાર ગણાવી શકાય. પરંતુ આ ઘટી રહેલી લોકપ્રિયતાનું કારણ દેશમાં વધતા ઈમિગ્રન્ટ્સ સામે વધતી જતી લાગણીઓને પણ જવાબદાર ગણાવી શકાય.
નોન-પ્રોફિટ પોલિંગ એજન્સી એંગસ રીડ ઈન્સ્ટિટ્યૂટ (એઆરઆઈ) દ્વારા તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું છે કે “માર્ચ 2023 થી કેનેડામાં ભારતની સકારાત્મક છબી 11 પોઈન્ટ ઘટી છે, કેનેડામાં 33% લોકો ભારતને મિત્ર માને છે.” જ્યારે 54% લોકો ભારતને પોતાનો મિત્ર માનતા નથી, ત્યારે ટ્રુડોનું કહેવું છે કે કેનેડા ‘યુનાઈટેડ ઈન્ડિયા’નું સમર્થન કરે છે, પરંતુ પરંતુ કેનેડામાં શીખ અલગતાવાદીઓની હાજરી ભારત અને કેનેડા વચ્ચે તણાવનું કારણ બની રહી છે.


