પ્રાકૃતિક ખજાનાથી ભરપુર નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકામા આવેલ માલ-સામોટ હિલ સ્ટેશન પ્રસિધ્ધ પ્રવાસન સ્થળ છે. પરંતુ સરકારનું ધ્યાન માત્ર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિકાસ ઉપર જ હોવાથી જિલ્લાના અન્ય પ્રવાસન સ્થળોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આવુ જ માલ-સામોટ સાથે થયુ છે. અહી પ્રવાસીના મોબાઇલ ઠપ થઇ જાય છે કેમ કે બીએસએનએલનો ટાવર જ બંધ હાલતમાં છે.
દેડિયાપાડા થી અંદાજીત 33 કિલોમીટર દૂર હીલ સ્ટેશન માલ – સામોટ આવેલું છે. સમુદ્રથી ઘણું ઉંચાઈ ઉપર આવેલું હોવાથી અહીંયાંની હવા ખુશનુમા છે. હવા ખાવાનું સ્થળ છે. મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પર આવેલું છે.પ્રવાસીઓની સતત અવરજવર થતી હોય છે. અહીંયાથી ચાર કિલોમીટર દૂર નિનાઈ ધોધ આવેલો છે. પ્રવાસીઓ અને સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તેમ છતાં અહી મોબાઇલ નેટવર્કનાં ધાંધિયા જેવા મળે છે. બીએસએનએલ નો ટાવર બંધ હાલતમાં છે. લાંબા સમયથી બંધ મોબાઇલ નેટવર્ક ટાવર સત્વરે ચાલુ કરવામાં આવે એવી લોકો માંગ ઉઠવા પામી છે. માલ – સામોટ ના મોબાઈલ ગ્રાહકોને નેટવર્કના ધાંધિયાનો સામનો કરવો પડે છે.આશ્ચર્યની વાત એ છે કે માલ-સામોટ ગુજરાત રાજ્યનું પ્રવાસન સ્થળ છે તેમ છતા અહી ગુજરાતનું મોબાઇલ નેટવર્ક નથી પકડાતુ પરંતુ મહારાષ્ટ્રના ખાનગી મોબાઇલ ઓપરેટરોના ટાવરનું નેટવર્ક આવે છે. પ્રાથમિક શાળાઓમાં, માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અને ગ્રામ પંચાયતમાં ઓનલાઇન કામગીરી કરવાની હોય છે. સરકાર ડગલે ને પગલે ઓનલાઇન માહિતી માંગે છે. આ કામગીરી કંઈ રીતે કરવી તે પણ મોટો પ્રશ્ન છે.


