નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાનું સેલંબા જિલ્લાનું મોટુ વેપારી મથક છે. પરંતુ સેલંબામાં ટ્રાફ્કિ સમસ્યા માથાનો દુખાવો બની ગઇ છે. સેલંબાના મુખ્ય માર્ગ સહિત સમગ્ર સેલંબા ગામમાં ટ્રાફ્કિ સમસ્યા જોવા મળે છે. જેનાથી સેલંબાના વેપારીઓ અને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં મુખ્ય માર્ગ સહિત સમગ્ર ગામમાં ખાનગી વાહનો ખડકલો જેવા મળે છે. જ્યાં ત્યાં ખાનગી વાહનો આડેધડ પાર્ક કરી દેવામાં આવે છે. ખાનગી વાહનોની વણઝારના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.
એસટી ડેપોની અંદર ખુલ્લેઆમ ખાનગી વાહનો જેવા કે જીપો, રીક્ષામાં અને છકડાઓ મુસાફરોને પાસે વધુ ભાડું વસૂલ કરી પેસેન્જરોને ઘેટાં બકરાંની જેમ મુસાફરો ભરીને ગામડાંઓમાં લઇ જાય છે અને લઇને આવે છે. પોલીસ મુક પ્રેક્ષક બનીને તમાશો જુએ છે. સેલંબા વેપારી મથકે કાયદો અને વ્યવસ્થા નામની કોઈ ચીજ વસ્તુ જોવા મળતી નથી. આ સમસ્યા સામે કાબુ મેળવવા પગલા લેવા લોકોએ માગ કરી છે.


