નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામમાં પશુપાલન થકી પરિવારની આર્થિક સ્થિતિમાં પરિવર્તન લાવનારા કોકિલાબેન વસાવા લખપતિ દીદી બની અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
વર્ષ 2016-17થી મિશન મંગલમ અને આર.સી.ટી.ના માર્ગદર્શન હેઠળ કોકિલાબેને એક ગાય અને એક ભેંસથી પશુપાલનની શરૂઆત કરી હતી. સતત મહેનત, તાલીમ અને સરકારની સહાયના પરિણામે આજે તેમની પાસે 19 ગાયો અને 10 ભેંસ છે. માત્ર પશુપાલન દ્વારા તેઓ માસિક રૂ. 1.20 લાખ જેટલી આવક મેળવી રહ્યાં છે. આ સાથે વર્મીકંપોસ્ટ ખાતર વેચાણથી વધારાની આવક મેળવી તેઓ વાર્ષિક લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. એક ગાય અને એક ભેંસ સાથે પશુપાલન વ્યવસાય શરૂ કર્યો ત્યારે તેમની માસીક આવક માંડ 12 થી 15 હજાર હતી. તેઓએ વિવિધ સરકારી સહાય થકી વ્યવસાયનો વ્યાપ વધાર્યો અને 10 વર્ષમાં માસીક આવક 10 ગણી કરી. ઉલ્લેખનીય છે કે, એકતાનગર ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં કોકિલાબેન વસાવાનું જળ સંપત્તિ, પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.


