- વહીવટી તંત્રે રેંગણ અને શહેરાવ ઘાટનો ઈજારો આપ્યો છે
- ગત વર્ષે રૂ.20નો ચાર્જ હતો, હવે 30 ચૂકવતા પણ ટિકિટ મળતી નથી
- બોટ માટે સત્તાવાર કોઈ ચાર્જિસ નક્કી ન કરાયાનું જાણવા મળ્યું
નર્મદા જિલ્લાના મા નર્મદાની પંચકોશી પરિક્રમામાં બોટ માટે વ્યક્તિ દીઠ રૂા.30નો ચાર્જ વસૂલતા વિવાદ થયો છે. બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા રેંગણ અને શહેરાવ ઘાટનો એક મહિનાનો ઈજારો અપાયો છે. જોકે, બોટ માટે સત્તાવાર કોઈ ચાર્જિસ નક્કી ન કરાયાનું જાણવા મળ્યું છે.
ચૈત્ર મહિનામાં નર્મદા જિલ્લાના રામપુરાથી તિલકવાડાની વચ્ચે ઉત્તર દિશા તરફ વહેતી નર્મદા નદીના 16 કિમીની પરિક્રમાનું વિશેષ મહત્ત્વ છે. ગત સોમવારથી પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે. એક મહિના દરમિયાન 10 લાખ જેટલા શ્રાદ્ધાળુઓ મા નર્મદાની પરિક્રમા કરે છે. આ પરિક્રમા દરમિયાન રેંગણ ઘાટથી સામે પાર જવા માટે કોઇ બ્રિજ નથી. જેના કારણે શ્રાદ્ધાળુઓ રેંગણ ઘાટથી નદી પાર કરવા બોટનો ઉપયોગ કરે છે. ગતવર્ષ સુધી બોટ માટે વ્યક્તિ દીઠ રૂા.20 વસૂલવામાં આવતા હતાં. આ વર્ષે બોટની એક ટિકિટના ભાવમાં રૂા.10નો વધારો કરવામાં આવ્યો છે. હવે બોટ માટે વ્યક્તિ દીઠ રૂા.30નો ચાર્જ વસૂલવામાં આવતા વિવાદ થયો છે. બોટ માટે રૂા.30 ચૂકવ્યા બાદ પણ ટિકિટ આપવામાં આવતી નથી. રેંગણ ઘાટ પર બોટના નાણાંની વસૂલાત મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોનમાં વ્યક્તિ દીઠ એન્ટ્રી કરી ચાર્જ વસૂલવામાં આવે છે. નાણાં ચૂકવનાર ટિકિટ માટે આપવાની સ્પષ્ટ ના પાડવામાં આવતી હોવાનો આક્ષેપ કેટલાક શ્રાદ્ધાળુઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રશ્ન મુદ્દે આજે કેટલાક શ્રાદ્ધાળુઓ બોટનો ચાર્જ વસૂલતા સંબંધિત માણસો સમક્ષ ફરિયાદ કરી હતી. આ ઉપરાંત શ્રાદ્ધાળુઓએ બોટના ચાર્જિસ મુદ્દે ઘાટ પર બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓને પણ મૌખિક રજૂઆત કરી હતી. આ ઉપરાંત વાહનોના પાર્કિંગ માટે પણ રૂા.100 વસૂલાતા હોવાની બૂમ પડી છે.


