- NISAR સેટેલાઈટ ધરતી પર જામેલ બરફના અધ્યયનમાં મદદ કરશે
- ગ્લેશિયર્સના પીગળવાનો દર સમજવામાં પણ મદદ કરશે NISAR
- આ વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે NISAR સેટેલાઈટ, તૈયારીઓ પૂર્ણ
ભારતીય અંતરીક્ષ એજન્સી ISRO અને અમેરિકન સ્પેસ એજન્સી NASA દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલ NISAR સેટેલાઈટ (NASA-ISRO Synthetic Aperture Radar) લોન્ચ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તેના લોન્ચિંગની તારીખ પણ જાહેર કરવામાં આવી શકે છે. આ સેટેલાઈટની મદદથી ઇસરો અને નાસા ધરતી પર પર્યાવરણ માટે મહત્વના વેટલેન્ડ, જ્વાળામુખીઓમાં આવેલ ફેરફાર અને જમીન અને દરિયામાં રહેલ બરફમાં થયેલ ફેરફારનું અધ્યયન કરશે. NISAR સેટેલાઈટ ગ્લેશિયરોમાંથી ઓગળતા બરફ પર પણ દેખરેખ રાખશે.
ધરતી પર જામેલ બરફના અધ્યયનમાં મદદ કરશે NISAR સેટેલાઈટ
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીએ જાહેર કરેલ એક નિવેદનમાં જાણકારી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી વૈજ્ઞાનિકોને ખબર પડશે કે કેવી રીતે એક નાનકડી પ્રક્રિયાથી એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડના ગ્લેશિયર્સમાં મોટા ફેરફારો થાય છે. સાથે જ, આ સેટેલાઈટની મદદથી કૃષિ મેપિંગ અને ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું મેપીંગ કરી શકાશે. નાસાના નિવેદન અનુસાર, NISAR ની મદદથી પૃથ્વી પર બરફથી ઢંકાયેલા વિસ્તારમાં થતા ફેરફારોનો સૌથી વિસ્તૃત ડેટા ઉપલબ્ધ થશે. જે ક્રાયોસ્ફિયર તરીકે ઓળખાય છે.
ગ્લેશિયર્સના પીગળવાનો દર સમજવામાં મળશે મદદ
નાસામાં ગ્લેશિયર્સનો અભ્યાસ કરતા વૈજ્ઞાનિક એલેક્સ ગાર્ડનરે જણાવ્યું છે કે આપણી પૃથ્વી પરનો બરફ ઝડપથી પીગળી રહ્યો છે અને આપણે તેના પીગળવાની પ્રક્રિયાને સમજવાની જરૂર છે, જેમાં NISAR સેટેલાઈટ મદદ કરશે. NISAR સેટેલાઈટ આ વર્ષે લોન્ચ થઈ શકે છે અને તેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સેટેલાઈટ દર 12 દિવસમાં બે વાર સમગ્ર પૃથ્વીની જમીન અને બરફના વિસ્તારોનું સર્વેક્ષણ કરશે.


