- શ્રી રંગઅવધૂતે ગરીબની આંતરડી ઠારવી એ સાચું ઈશ્વરપૂજન એવી વિચારધારા લઈને દેવની ભક્તિ કરી
શ્રી રંગઅવધૂતનો જન્મ કારતક સુદ નોમ, સંવત 1955, તારીખ 21મી નવેમ્બર, 1898 ને સોમવારે થયો હતો. તેમનું મૂળ નામ પાંડુરંગ વિઠ્ઠલ વળામે હતું. તેમના પિતાનું નામ વિઠ્ઠલ, માતાનું રુકિમણી અને નાના ભાઈનું નામ નારાયણ હતું. નર્મદાતટે નારેશ્વરમાં તપ કરી રંગઅવધૂત મહારાજ તરીકે તેઓ પ્રસિદ્ધ થયા હતા.
પાંડુરંગ ત્રણ વર્ષના હતા ત્યારે પિતા તરફથી તેમને રામ નામનો મંત્ર મળ્યો હતો. પાંડુરંગે કેટલાંય વર્ષો સુધી કાગળ ઉપર રામ રામ લખીને હનુમાનજીના મંદિરે અર્પણ કરવાનું રાખ્યું. આ રામ નામના મંત્રે જ પાંડુરંગનો ભક્તિનો પાયો મજબૂત કર્યો. તેમનું વ્યક્તિત્વ પણ અદ્ભુત હતું.
માત્ર આઠ વર્ષની નાની વયે `પોથી વાંચ’નો સ્વપ્નમાં આદેશ થયો. મામા તરફથી ગુરુચરિત્રનો પવિત્ર ગ્રંથ મળ્યો. આ ગ્રંથ તે જ પોથી. રોજ એક અધ્યાય વાંચે. સમય જતાં તેમણે શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી. વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જાય તો પણ તપ કરવાનું સ્થળ શોધે. ભગવાને સ્વપ્નમાં તેમને આદેશ આપ્યો, `દત્ત પુરાણના એકસો આઠ પારાયણ કરો.’ તેમને ભરૂચમાં રહેતા કલ્યાણભાઈ પાસેથી આ ગ્રંથ મળ્યો. તેઓ પારાયણ માટે નર્મદા કિનારે નારેશ્વર ગયા. ઈ.સ. 1925ના ડિસેમ્બરમાં તેઓ અનુષ્ઠાન માટે ગયા. નારેશ્વર એટલે સાત ગામનું સ્મશાન. ભયાનક અને બિહામણું સ્થળ. ગીચ ઝાડી, સાપ, વીંછી અને બીજાં હિંસક પ્રાણીઓથી ભરેલું આ સ્થળ હતું.
શ્રી રંગઅવધૂત મહાન માતૃભક્ત અને દેશભક્ત પણ હતા. ગરીબની આંતરડી ઠારવી એ સાચું ઈશ્વરપૂજન એવી વિચારધારા લઈને દેવની ભક્તિ કરી. તેમણે દેવનું કામ દેવ કરે છે તેવો સિદ્ધાંત રાખ્યો. પૈસાને નહીં અડકવાનો નિયમ રાખ્યો અને જો ભૂલથી સ્પર્શ થાય તો ઉપવાસ કરવાનો. દુષ્કાળના સમયમાં ચોખાની અછત ઊભી થતાં તેમણે ચોખાનો ત્યાગ કર્યો. તેમનું જીવન ખૂબ જ સાદગીભર્યું હતું. સવારે ત્રણ વાગ્યે ઊઠીને માટલાના ઠંડા પાણીથી સ્નાન કરવાનું. ધ્યાનમાં બેસવાનું. યોગાસન કરવાનાં, દત્તપુરાણના પારાયણ કરવાના. જાતે જ સાદું ભોજન બનાવીને ખાવાનું. રાત્રિના સમયે તો મોટાભાગે દૂધથી જ ચલાવી લેવાનું.
કારતક વદ ચૌદશ, 19 નવેમ્બરે મંગળવારે રાત્રે 8:45 વાગ્યે અવધૂત હરિદ્વાર બ્રહ્મલીન થયા. તેમના દેહને નારેશ્વર લઈ જવામાં આવ્યો. 21 નવેમ્બરે ગુરુવારે હજારો ભક્તોની હાજરીમાં તેમના અંત્યેષ્ઠ સંસ્કાર થાય.