- પાકિસ્તાનમાં ગુરુવારે થયેલી ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષને બહુમતી નથી મળી
- બંને પક્ષો વચ્ચે વડાપ્રધાનપદ વહેંચી લેવા અંગે સહમતી
- બંને પક્ષો વચ્ચે સૈદ્ધાંતિક સહમતી સધાતા સરકાર ગઠનની સંભાવના
પાકિસ્તાનમાં ગુરુવારે થયેલી ચૂંટણીમાં કોઇપણ રાજકીય પક્ષને બહુમતી નથી મળી. આ સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો એકબીજા સાથે હાથ મિલાવીને સરકારની રચના કરવાના કામે લાગ્યા છે. તે દરમિયાન અહેવાલ આવી રહ્યા છે કે બિલાવલ ભુટ્ટો ઝરદારીના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) અને નવાઝ શરીફના પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝ (પીએમએલ-એન) વચ્ચે કેન્દ્રમાં ગઠબંધન સરકાર રચવા સહમતી બની ચૂકી છે. તાજા અહેવાલ મુજબ બંને પક્ષોના નેશનલ એસેમ્બ્લીના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન બંને પક્ષો વચ્ચે વડાપ્રધાનપદની ભાગે પડતા સમય માટે ફાળવણી કરવા સહમતી બની ચૂકી છે. અડધી-અડધી મુદતના કાર્યકાળ માટે વડાપ્રધાનપદ સંભાળવાનો વિચાર 8 ફેબુઆરીની બંને પક્ષો વચ્ચેની બેઠકમાં જ સામે આવ્યો હતો.
પાક. ચૂંટણીમાં ખેલ ? 24 બેઠકો પર જીતના માર્જિન કરતાં વધુ મત રદ થયા
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીના પરિણામ આવી ગયા છે. પરંતુ પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કે નેશનલ એસેમ્બલીની 24 બેઠકોના પરિણામ એવા છે કે જ્યાં જીતના અંતર કરતા રદ થયેલા મતપત્રોની સંખ્યા વધુ છે. હવે તે ગેરરીતિ છે કે લોકોની લાપરવાહી તે નક્કી નથી કહી શકાતું. પરંતુ આ આંકડા જરૂરથી શંકા જન્માવે છે. પરિણામો આવ્યા પછી કેટલાક ઉમેદવારોએ કાયદેસરની લડાઈ લડી લેવા નિર્ણય લીધો છે. તેઓ ચૂંટણી પરિણામોની સમીક્ષાની માગણી કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે પંજાબ પ્રાંતની સૌથી વધુ બેઠકો પર આવી ગરબડ થઈ છે. પંજાબની 22, પખ્તૂનખ્વાની 1 અને સિંધની એક બેઠક પર જીતના અંતર કરતાં વધુ સંખ્યામાં મતપત્રો રદ થયા છે. આવી 13 બેઠકો પર નવાઝ શરીફના પક્ષ, પાંચ બેઠકો પર પીપીપી, 4 બેઠકો પર ઇમરાનના પક્ષને સમર્થન આપી રહેલા અપક્ષ ઉમેદવારો તેમ જ અને અન્ય બે બેઠક પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો છે.


