- ચોથી વખત પાકિસ્તાનના પીએમ બનતા બનતા રહી ગયા નવાઝ
- સત્તાવાર હોદ્દો ન હોવા છતાં નવાઝે કરી વહીવટી બેઠકોની અધ્યક્ષતા
- સત્તા વગર બેઠકોમાં હાજરી આપતા પૂર્વ પીએમ પર ઉઠવા લાગ્યા સવાલ
ગત મહિને સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીઓ બાદથી જ ગાયબ થઈ ગયેલ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ના સુપ્રીમો નવાઝ શરીફે પંજાબ સરકારની ત્રણ વહીવટી બેઠકોની અધ્યક્ષતા કરી હતી. સભામાં તેમની હાજરીથી ઘણા લોકોને આશ્ચર્ય થયું. વાસ્તવમાં, નવાઝ શરીફ હાલમાં કોઈ સત્તાવાર હોદ્દો ધરાવતા નથી.
નવાઝ શરીફે કરી પંજાબ સરકારની વહીવટી બેઠકોની અધ્યક્ષતા
ત્રણ વખત પ્રધાનમંત્રી રહી ચૂકે નવાઝ શરીફે સોમવારે પોતાની દીકરી મરિયમ નવાઝ શરીફના નેતૃત્વ વાળી પંજાબ સરકારની વહીવટી બેઠકોની અધ્યક્ષતા કરી. આ બેઠક બાદ એક હેન્ડઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે PML-N સુપ્રીમો નવાઝ શરીફે મંત્રીઓ અને અધિકારીઓને જુદી જુદી યોજનાઓને લઈને સૂચનાઓ આપી છે.
નવાઝ શરીફ નથી ધરાવતા કોઈ સત્તાવાર હોદ્દો
74 વર્ષીય નવાઝ શરીફ હાલ કોઈ સત્તાવાર હોદ્દો નથી ધરાવતા. હાલના સમયમાં તેઓ માત્ર અને માત્ર નેશનલ એસેમ્બલીના સભ્ય છે. એવામાં તેમનું, વહીવટી બેઠકમાં સામેલ થવું અનેક સવાલો ઊભા કરે છે. ગ્ત, મહિને થયેલ ચૂંટણીમાં નવાઝ શરીફનું ચોથી વખત પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવું લગભગ નક્કી હતું. પરંતુ સરકાર બનાવવા માટે તેમની પાર્ટી પાસે પૂરતી બેઠકો નહોતી.
સામાન્ય ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઇ દ્વારા સમર્થન પ્રાપ્ત અપક્ષ ઉમેદવારોએ સૌથી વધુ બેઠકો જીતી હતી. જોકે, નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સહી પાંચ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને નવી સરકારની રચના કરી છે. ત્યારબાદથી જ નવાઝ શરીફ રાજકારણથી દૂર થઈ ગયા છે, તેમના 50 વર્ષીય દીકરી મરિયમ નવાઝ દેશના પહેલા પંજાબ પ્રાંતના મહિલા મુખ્ય મંત્રી બની ચૂક્યા છે.


