ચોટીલા નજીકના સુરજદેવળમાં ચોથના દિવસે કાઢી સમાજના સાડા 3’દિના ઉપવાસ
ભગવાન સૂર્યનારાયણની પૂજા-હવન અને ભવ્ય અશ્વ યાત્રાનું આયોજન
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સૌરાષ્ટ્રની ભોમકા એટલે તીર્થોની ભૂમિ. અહીં જ ભગવાન સોમનાથ બિરાજે છે અને શ્રીકૃષ્ણની દ્વારિકા પણ છે. સાથોસાથ પાંચાળનો ઉલ્લેખ પણ કર્યા વગર કેમ રહી શકાય, અનેક પવિત્ર સ્થાનોથી શોભતી આ ધરતી જગમશહૂર છે. સૂર્યભૂમિ તરીકે પ્રસિધ્ધ એવા આ પ્રદેશમાં સૂરજદેવળમાં અતિ પ્રાચીન એવું મંદિર આવેલું છે અને આ પંથકના જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રભરના કાઠી દરબારોને જેમાં અપરંપાર શ્રધ્ધા છે તેવા સૂરજદેવળ ખાતે દર વર્ષે વૈશાખ સુદ ચોથના દિવસે કાઠી દરબારો સાડા ત્રણ દિવસના ઉપવાસ અને યજ્ઞ તેમજ હવન કરે છે, અને પોતાની અવિરત આસ્થાના દર્શન કરાવે છે.જેમાં ચોટીલા ચોબારી ગોંડલ જસદણ મોટાદડવા રાજુલા,સાવરકુંડલા તેમજ અમરેલી સહિત ભાવનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના કાઠી ક્ષત્રિય સમાજ ઘરે બેઠા કે મંદિર સમક્ષ પોતાની આસ્થા સભર ઉપવાસ કરે છે આ વર્ષે કાઠી સમાજના યુવાભાઈઓ ભવ્યાતિભવ્ય અશ્વ રથયાત્રા થવા ની છે જેમાં અનેક અશ્વો સાથે ભગવાન સૂર્યનારાયણ મંદિર સુરજદેવળ મુકામે ભેગા થશે
ઓપુરાણોમાં જેનો ઉલ્લેખ થયો છે તેમ એક સમયે આ પ્રદેશ કાઠિયાવાડ પર કાઠી દરબારોનું રાજ હતું અને તેમના રાજ્યકાળ દરમિયાન અનન્ય શિલ્પ સ્થાપત્યથી શોભતા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભગવાન સૂર્યનારાયણના આ મંદિરને સૂરજદેવળ નામે લોકો ઓળખે છે. કચ્છ પ્રદેશમાંથી અહીં આવીને કાઠી દરબારો વસ્યા એ પહેલાં અહીં પરમારોનું રાજ્ય હતું અને તેમના ઇષ્ટદેવ માંડવરાયજી પણ સૂર્યનારાયણનું જ એક સ્વરૂપ છે.
પૂર્વાભિમુખ આ મંદિર રથ આકારમાં બનાવવામાં આવ્યું છે. આસપાસ નવ ગ્રહના મંદિરો અને કશ્યપ મંદિર પણ આવેલા છે. સૂર્યોદયની સાથે સૂર્યના પહેલાં જ કિરણની સાથે આ મંદિરની પ્રતિમા ઝળાહળા બની જાય છે. મંદિરના વર્તમાન મહંત તેમજ ભક્તોની ભક્તિ અને સંકલ્પોને સાકાર કરવા ભગીરથ પ્રયાસ કરે છે, અને દિવસેને દિવસે અહીં ભક્તોનો પ્રવાહ વધતો જાય છે.
દર વર્ષે ગણેશ ચોથના દિવસે કાઠી દરબારો સાડાત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ કરી યજ્ઞ અને હવન કરશે અને સૌરાષ્ટ્રભરમાંથી કાઠી દરબારો અહીં આવી ઊમટશે, અને સાથે મળીને આ ધાર્મિકોત્સવને ઉજવશે, તેમજ ભગવાન સૂર્યનારાયણમાં તેમની આસ્થાનો દીપ વધુ પ્રજ્જવલિત કરશે.આ તકે સુરજદેવળ પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ચોટીલા કાઠી સમાજ અગ્રણીઓ તેમજ મોટાદડવા સરપંચ ભૂપતભાઈ વાળા તથા કાઠી ક્ષત્રિય સમાજની યાદીમાં જણાવેલ છે કે પારણા ના દિવસે હોમ હવન તેમજ લોકડાયરનું સુંદર આયોજન રાખેલ છે.


