ભારતના ઓલિમ્પિક ચેમ્પિયન સુપરસ્ટાર નીરજ ચોપરાએ નવા વર્ષમાં પોતાના ફેન્સને એક અદ્ભુત અને આશ્ચર્યજનક ભેટ આપી છે. ભાલા ફેંક સ્ટાર નીરજ ચોપરાએ પોતાના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. નીરજ ચોપરા લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.
તેના જીવનની એક નવી ઈનિંગ શરૂ થઈ ગઈ છે. નીરજની પત્નીનું નામ હિમાની છે. નીરજે 19 જાન્યુઆરી, રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના લગ્નના 3 ફોટા શેર કરીને પોતાના ફેન્સને આ વાતની જાણકારી આપી.
ફોટો શેર કરીને ફેન્સને આપી જાણકારી
નીરજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લગ્નનો ફોટો શેર કર્યો હતો જેમાં તેની પત્ની હિમાની સ્ટેજ પર બેઠી હતી, જ્યાં પરિવારના થોડા જ સભ્યો જોવા મળ્યા હતા. તેણે તેની માતા સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો. જેવલિન સ્ટારે લખ્યું છે કે “મારા પરિવાર સાથે જીવનનો એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. બધાના આશીર્વાદે અમને આ ક્ષણ સુધી એકસાથે લાવ્યા છે.”
લગ્નની જાહેરાતથી ફેન્સ આશ્ચર્યચકિત
ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપરાના લગ્નની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ઘણા જુદા જુદા ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તે ક્યારે લગ્ન કરશે અથવા તેમની કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં, પરંતુ નીરજે ક્યારેય આ વિશે કંઈ જાહેર કર્યું નહીં. પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યા પછી પણ જ્યારે તેમના પરિવારને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને પણ ક્યારેય કંઈ કહ્યું નહીં, પરંતુ હવે નીરજ અને તેમના પરિવારે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વિના શાંતિથી લગ્નના સમાચાર આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.


