નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સંસદમાં વિશ્વાસ મત જીત્યો
કેપી શર્મા ઓલીના નેતૃત્વમાં સરકારની તરફેણમાં કુલ 188 વોટ મળ્યા છે
કેપી શર્મા ઓલીએ ગયા સોમવારે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા
નેપાળના નવા ચૂંટાયેલા વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રવિવારે સંસદમાં વિશ્વાસ મત જીત્યો હતો. આ સાથે ઓલી ચોથી વખત સરકાર બનાવવામાં સફળ થયા છે. ઓલીએ સોમવારે નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. નેપાળના પીએમ ઓલીને 188 મત મળ્યા છે, જે કુલ 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં બહુમતી કરતા ઘણા વધારે છે.
ઓલીની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ યુનિફાઈડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML) એ પુષ્પ કમલ દહલ પ્રચંડની આગેવાની હેઠળની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-માઓઈસ્ટ સેન્ટર પાસેથી સમર્થન પાછું ખેંચી લીધા પછી સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. આ ઘટનાક્રમ પછી, ઓલીની પાર્ટીએ નેપાળી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને નેપાળમાં નવી સરકાર બનાવી.
30 દિવસની અંદર સંસદમાંથી વિશ્વાસનો મત મેળવવો જરૂરી
નેપાળના બંધારણ મુજબ, ઓલીએ તેમની નિમણૂકના 30 દિવસની અંદર સંસદમાંથી વિશ્વાસનો મત મેળવવો જરૂરી હતો. ત્યારથી, તેમને નેપાળના 275 સભ્યોના પ્રતિનિધિ ગૃહમાં માત્ર 138 સભ્યોના સમર્થનની જરૂર હતી.
પ્રચંડે વિશ્વાસ મત ગુમાવ્યો
નેપાળની સૌથી મોટી સામ્યવાદી પાર્ટી CPN-UMLના પ્રમુખ કેપી શર્મા ઓલીને ગઠબંધન સરકારનું નેતૃત્વ કરવા માટે ગયા રવિવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ દ્વારા વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ અને અન્ય નાના પક્ષો પણ ગઠબંધન સરકારમાં સામેલ છે. કેપી શર્મા ઓલીએ પુષ્પ કમલ દાહાલ ‘પ્રચંડ’નું સ્થાન લીધું જે શુક્રવારે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં વિશ્વાસ મત જીતી શક્યા ન હતા. જેના કારણે ઓલીના નેતૃત્વમાં નવી સરકારની રચના થઈ હતી.
કેપી શર્મા ઓલીએ 4 વખત લીધા શપથ
આ ચોથી વખત છે જ્યારે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. પહેલા ઓલીએ 11 ઓક્ટોબર 2015થી 3 ઓગસ્ટ 2016 સુધી દેશના વડાપ્રધાન તરીકે કામ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, નવી દિલ્હી સાથે કાઠમંડુના સંબંધો તણાવપૂર્ણ હતા. તે પછી 5 ફેબ્રુઆરી 2018 થી 13 મે 2021 સુધી તેઓ ફરીથી વડા પ્રધાન રહ્યા. આ પછી, તેઓ તત્કાલિન રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીના કારણે 13 મે 2021 થી 13 જુલાઈ 2021 સુધી પદ પર રહ્યા.


