નેધરલેન્ડના પૂર્વી શહેર નુનસ્પીટમાં સોમવાર રાત્રે ક્રિસમસ પરેડ જોવા માટે ભેગી થયેલી ભીડમાં એક કાર ઘુસી ગઈ, જેના કારણે ઓછામાં ઓછા નવ લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસ અનુસાર, ઘાયલોમાંથી ત્રણની સ્થિતિ હાલ ગંભીર છે. ગેલ્ડરલેન્ડ પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ ઘટના જાણીજોઇને કરાઈ હોય તેવું લાગતું નથી, જોકે મામલાની તપાસ ચાલુ છે.
અકસ્માત બાદ પરેડ રોકી દેવામાં આવી
આ અકસ્માત તે સમયે થયો, જ્યારે લોકો ક્રિસમસ લાઇટ્સથી સજાયેલી ગાડીઓની પરેડ જોવા માટે રસ્તાની બાજુએ ઊભા હતા. આ પરેડ વિસ્તારનો દર વર્ષે યોજાતો લોકપ્રિય કાર્યક્રમ છે. નજીકની એલબર્ગ સિટી એડમિનિસ્ટ્રેશને જણાવ્યું કે અકસ્માત બાદ તરત જ પરેડ રોકી દેવામાં આવી. નુનસ્પીટના મેયર યાન નાથન રોઝેન્ડાલે ઘટનાપ્રતિ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, જે ક્ષણ એકતા અને ઉત્સવની હોવી જોઈએ હતી, તે ગહન દુઃખ અને શોકમાં બદલાઈ ગઈ.
કાર મહિલા ચલાવી રહી હતી
પોલીસે જણાવ્યું કે કાર ચલાવતી મહિલા 56 વર્ષની છે અને નુનસ્પીટની જ રહેવાસી છે. તેને સામાન્ય ઇજાઓ થઈ છે. ગંભીર માર્ગ અકસ્માતને કારણે મહિલાને કસ્ટડીમાં લેવામાં આવી છે. પોલીસ તરફથી અકસ્માતના કારણોને લઈને હાલ કોઈ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
વીડિયો સામે આવ્યો
આ અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે.જેમાં જોવા મળે છે કે બચાવ કર્મચારીઓ એક નાની, ગંભીર રીતે નુકસાનગ્રસ્ત કારની આસપાસ કામ કરી રહ્યા છે, જે એક ખેતરમાં જઈ અટકી હતી અને તેનું બોનેટ ખુલ્લું હતું. નુનસ્પીટ શહેર એમ્સ્ટર્ડમથી આશરે 80 કિલોમીટર પૂર્વમાં આવેલું છે. પોલીસે જણાવ્યું કે તપાસના ભાગરૂપે પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ઉપલબ્ધ વીડિયો ફૂટેજની પણ તપાસ થઈ રહી છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં મેક્સિકો નેવીનું પ્લેન થયું ક્રેશ, 5 લોકોના મોત


